ન્યુ યોર્કઃ સામાન્ય રીતે વિશ્વનાં મોટા ભાગનાં શહેરોમાં નવા વર્ષની સાંજે ઠેર-ઠેર ભીડ, આતિશબાજી થતી હોય છે, પરંતુ વર્ષ 2020માં લોકોની જીવનચર્યા બદલાઈ ગઈ છે. વર્ષ 2020માં કોરોના રોગચાળાએ વિશ્વભરમાં કેર મચાવતાં લોકો આ વર્ષની કડવી યાદોને ભુલાવવા ઇચ્છશે, કેમ કે લોકોના એકઠા થઈને ઊજવવા પર પાબંધી લાગી ગઈ છે. એક વર્ષથી વિશ્વમાં કોરોના રોગચાળો, બેરોજગારી અને વંશીય અશાંતિ વિશ્વભરમાં છવાયેલી છે. દર વર્ષ કરતાં આ વખતે પરિસ્થિતિ જુદી છે. લોકોને 2021ના વર્ષની ઉજવણી એકમેકથી દૂર રહીને કરવી પડશે.
અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી પર બ્રેક લાગી ગઈ છે. અનેક જગ્યાએ રાત્રિ કરફ્યુ અમલમાં છે. જે દેશોમાં કોરોના વાઇરસના કેસો ઓસ્ટ્રેલિયાની જેમ ઓછા છે, ત્યાં પણ સ્થાનિક સરકારો નવા વર્ષના આયોજનો રદ કરી રહી છે, કેમ કે મુશ્કેલ વર્ષ પછી લોકોને સુરક્ષિત રાખવા રોગચાળાનો પ્રસાર ના થાય એ માટે સાવધાની જરૂરી છે.
સિડનીમાં અધિકારીઓએ હાલના દિવસોમાં સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણના કેસોમાં વધારા પછી નિયંત્રણો કડક કરી દીધાં છે. શહેરમાં માત્ર 12 મહેમાનોની પાર્ટીઓનું આયોજન કરવાની મંજૂરી છે. રહેવાસીઓને ટીવી પર સિડની હાર્બર બ્રિજ પર સાત મિનિટની આતશબાજી જોવા માટે પ્રોત્સહિત કરવામાં આવી રહ્યા છે. હોંગકોંગમાં વિક્ટોરિયા હાર્બર પર થતી આતિશબાજી પણ રદ કરવામાં આવી છે.
લંડનમાં થેમ્સ નદીને કિનારે વાર્ષિક આતિશબાજી રદ કરવામાં આવી છે, કેમ કે ઇંગ્લેન્ડમાં કડક રીતે લોકડાઉન અમલમાં છે.વિશ્વનાં મોટા ભાગનાં શહેરોમાં નવા વર્ષની ઉજવણી પર પાબંધી લાગી ગઈ છે. ટાઇમ સ્ક્વેર પર થતી દર વર્ષની ઉજવણી પર બ્રેક લાગી ગઈ છે.