જાતિવાદ અંગેના કથિત નિવેદન બાદ ટ્રમ્પ વિરુદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર પ્રદર્શન

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલાક દેશોના પ્રવાસીઓ સામે કરવામાં આવેલા કથિત આપત્તિજનક નિવેદન બાદ અમેરિકામાં વિવાદની સ્થિતિ સર્જાઈ છે. હૈતી સમુદાયના સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને તેમણે અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર રેલીનું આયોજન કર્યું હતું. જેમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ આફ્રિકન દેશો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સાથે જ હૈતી સમુદાયના લોકોને અમેરિકામાં પ્રવેશને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. જેને લઈને હૈતી સમુદાયના લોકોએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, બેઠકમાં હાજર રહેલા કેટલાક ખાસ લોકો નિમ્ન કક્ષાના દેશોના અજાણ્યા લોકોના પ્રવેશને લઈને દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યાં છે. જોકે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ વિવાદનો અંત લાવવા પણ માગ કરી ચૂક્યા છે.

પોતાના નિવેદનથી થયેલા વિરોધપ્રદર્શન અંગે ટ્રમ્પે બચાવ કરતાં કહ્યું કે, ‘હું જાતિવાદી વિચારધારામાં વિશ્વાસ નથી કરતો. પત્રકારોને સંબોધન કરતાં ટ્રમ્પે કહ્યું કે, મને લાગા છે કે, તમે લોકોએ જેટલા લોકોનો ઈન્ટરવ્યૂ કર્યો હશે તેમાંથી કદાચ હું સૌથી ઓછી જાતિવાદી વિચારધારા ધરાવનારો વ્યક્તિ છું’. એ વાત હું તમને ખાત્રી સાથે કહી શકું છું.

ટ્રમ્પ વિરુદ્ધ યોજાયેલા આ પ્રદર્શનમાં ડેમોક્રેટ મેયર ડે બ્લાસિયો સહિત અનેક રાજકીય નેતાઓ પણ હાજર રહ્યાં હતા. પ્રદર્શન કરનારા લોકોએ હાથમાં હૈતીનો ધ્વજ અને સૂત્રોચ્ચાર કરતાં પોસ્ટરો પકડ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]