અમેરિકાએ આપેલી આતંકીઓની યાદીમાં હાફિઝ સઈદનું નામ નથી: પાક.

ઈસ્લામાબાદ- અમેરિકાએ પાકિસ્તાનને 75 આંતવાદીઓની યાદી આપી છે. જોકે આ યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ કહેવું છે પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફનું.

પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે, આ યાદીમાં આતંકી સંગઠન હક્કાની નેટવર્કનું નામ ટોચ પર છે પરંતુ તેમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ખ્વાજા આસિફે પાકિસ્તાનની સંસદમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ તેમને 75 આંતકીઓની યાદી આપી છે. જ્યારે અમે તેમને 100 આતંકીઓની યાદી સુપરત કરી છે. વધુમાં ખ્વાજા આસિફે જણાવ્યું કે, આ યાદીમાં પાકિસ્તાનના એક પણ આતંકીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આપને જણાવી દઈએ કે, હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. અને હાલમાં તે પાકિસ્તાનમાં નજર કેદ છે. હાફિઝ સઈદના માથે રુપિયા 1 કરોડનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. બીજીબાજુ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ટિલરસને પાકિસ્તાનને આતંકવાદીઓને પીઠબળ પૂરું પાડવા બાબતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.