લોકોને નશાની લતમાંથી છોડાવનાર કોણ હતા આ ડો. હર્બર્ટ ક્લેબર?

નવી દિલ્હી: આજે ગૂગલએ ડૂડલ બનાવી પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર હર્બર્ટ ડેવિડ ક્લેબરને યાદ કર્યા છે. ડોક્ટર હર્બર્ટ લોકો વચ્ચે તેમની ખાસ આવડતના કારણે પ્રખ્યાત હતા. તેમણે લોકોને નશાની લતમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરી હતી. ડો હર્બર્ટ આ કામમાં નિષ્ણાંત હતા.

ડોક્ટર હર્બર્ટનો જન્મ 19 જૂન 1934માં પેન્સિલ્વેનિયાના પિટ્સબર્ગમાં થયો હતો. તે યેલ યૂનિવર્સિટીમાં ડ્રગ ડિપેન્ડેન્સ યૂનિટના સંસ્થાપક અને પ્રમુખ હતા. ખાસ વાત એ છે કે આ કોલેજમાં જ તેઓ સાયકોલોજીના પ્રોફેસર તરીકે પણ કાર્યરત હતાં. ત્યારબાદ તેમણે વ્હાઈટ હાઉસમાં નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલિસીના કાર્યાલયમાં ડિમાન્ડ રિડક્શન માટે ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે 2.5 વર્ષ સુધી કામ કર્યું.

23 વર્ષ પહેલા આજના જ દિવસે ડોક્ટર હર્બર્ટને નેશનલ એકેડમી ઓફ મેડિસિનના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ કારણે ગૂગલએ આજે તેમને યાદ કરી તેમના માટે ખાસ ડૂડલ બનાવ્યું છે.

ડો.ક્લેબરને મનોવિજ્ઞાનમાં રસ હોવાથી તેમણે ત્રણ વર્ષ સુધી લોકોને નશાની આદતમાંથી મુક્ત થવા માટે મદદ કહી હતી. એટલું જ નહીં ડો ક્લેબરએ નશાની લત અને માદક દ્રવ્યોનું સેવન કરતા લોકો માટે એક રાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના પણ કરી હતી. તેમણે દારુ, કોફીન, હેરોઈન અને અન્ય નશાના શિકાર લોકોની સારવાર કરવા માટે અલગ અલગ પ્રકારની સારવાર વિકસિત કરવા માટે પણ કામ કર્યું હતું. ગત વર્ષે 5 ઓક્ટોબર 2018ના રોજ આ મહાન વ્યક્તિનું નિધન થયું હતું.