ત્રીજા પક્ષની જરૂર નથી, કશ્મીર વિવાદ ભારત-પાકિસ્તાન આપસમાં ઉકેલેઃ ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન

પેરિસ – ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે જણાવ્યું કે કશ્મીર વિવાદને ભારત તથા પાકિસ્તાને આપસમાં ચર્ચા કરીને જ ઉકેલવો જોઈએ અને આમાં કોઈ ત્રીજા પક્ષે દરમિયાનગીરીની કરવી ન જોઈએ કે હિંસા ભડકાવવી ન જોઈએ.

હાલ ફ્રાન્સની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેક્રોનને મળીને પોતાની સરકારે જમ્મુ અને કશ્મીરમાં કરેલા ફેરફારો વિશે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે એ નિર્ણય ભારતના સાર્વભૌમત્ત્વનો એક હિસ્સો જ છે.

મોદીએ મેક્રોન સાથે 90-મિનિટ સુધી વ્યક્તિગત ચર્ચા કરી હતી.

બાદમાં પત્રકારોને સંબોધિત કરતાં મેક્રોને કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ મને જમ્મુ અને કશ્મીર વિશે જણાવ્યું છે. મેં કહ્યું કે કશ્મીરની પરિસ્થિતિને ભારત અને પાકિસ્તાને સાથે મળીને જ ઉકેલવી જોઈએ અને આમાં દરમિયાનગીરી કરીને કોઈ ત્રીજો પક્ષ પરિસ્થિતિને બગાડી નાખે અને હિંસા ભડકાવે એવું અમે ઈચ્છતા નથી.

મેક્રોને એમ પણ કહ્યું કે કશ્મીરમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે એ વિશે અને તે નિર્ણય ભારતના સાર્વભૌમત્ત્વનો જ એક હિસ્સો છે એવું પણ મને વડા પ્રધાન મોદીએ સમજાવ્યું છે.

મેક્રોને કહ્યું કે પોતે કશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરશે અને એમને જણાવશે કે ભારત સાથે દ્વિપક્ષી મંત્રણા કરીને વિવાદને ઉકેલો.

મેક્રોને કહ્યું કે ભારતે 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી માટે ફ્રાન્સને ઓર્ડર આપ્યો છે. એનું પહેલું વિમાન આવતા મહિને ભારતને ડિલિવર કરવામાં આવશે.

મોદીએ પોતાના સંબોધનમાં ફ્રાન્સને બિયારિત્ઝ શહેરમાં G7 શિખર સંમેલનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે ભારતના વિકાસના ક્ષેત્રમાં સહભાગી થવાની ફ્રાન્સ માટે સુવર્ણ તક છે. તે સ્કિલ ડેવલપમેન્ટ, સિવિલ એવિએશન, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, અવકાશ સંશોધન, સંરક્ષણ તથા બીજા ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ કરી શકે છે.