ફ્રાંસના પ્રેસિડેન્ટની જીભ લપસી, ઓસ્ટ્રેલિયાના પીએમના પત્નીને કહ્યું ‘ડિલિશિયસ’

પેરિસ- ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલકમ ટર્નબુલે જાતે એમેન્યુઅલ મેક્રોનની મહેમાનગતિ કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને ફ્રાંસના પ્રેસિડેન્ટે તેમના ખુબ વખાણ કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફ્રાંસના પ્રેસિડેન્ટે ઓસ્ટ્રેલિયાના પીએમ અને તેમના પત્નીનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ દરમિયાન તેમની જીભ લપસી હતી. અને ફ્રાંસના પ્રેસિડેન્ટે ઓસ્ટ્રેલિયાના પીએમના પત્નીને ‘ડિલિશિયસ’ કહ્યું હતું.ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલકમ ટર્નબુલને કહ્યું કે, ‘આ ભવ્ય સ્વાગત માટે હું આપનો અને આપની ‘ડિલિશિયસ’ પત્નીનો આભાર વ્યક્ત કરું છું. મેક્રોને ઓસ્ટ્રેલિયાના પીએમની પત્નીને ‘ડિલિશિયસ’ કહેતાં સિડનીમાં લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. કોઈએ આ ટિપ્પણીને સહજ ગણાવી છે, તો કોઈએ ફ્રાંસ કળા સાથે જોડાયેલો મજાક ગણાવ્યો છે.

ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોને કરેલી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા ઉપર પણ તેની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાકે જણાવ્યું કે, અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવા દરમિયાન તેમની જીભ લપસી ગઈ હશે. તેઓ ફ્રેન્ચ શબ્દ ‘ડિલિશિયા’નો ઉપયોગ કરવા ઈચ્છતા હશે. જેનો અર્થ ‘મનોહર’ એવો થાય છે.