મસૂદ અઝહરને ગ્લોબલ ત્રાસવાદી ઘોષિત કરાવવા ફ્રાન્સે યુરોપીયન યુનિયનને અરજી કરી

પેરિસ – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલો કરાવીને ભારતના અર્ધલશ્કરી દળ સીઆરપીએફના 40થી વધુ જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત કરવા માટે ફ્રાન્સે યુરોપીયન યુનિયનને અરજી કરી છે.

28-સભ્યોનું યુરોપીયન યુનિયન સર્વસંમતિના સિદ્ધાંતના આધારે નિર્ણય લેશે.

આ જાણકારી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આપી છે.

એમણે કહ્યું કે અઝહરને ત્રાસવાદી ઘોષિત કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ EU પોતાનો નિર્ણય જાહેર કરશે. એ નિર્ણય સર્વાનુમત હશે. EU કાયમ સર્વસંમત્તિના સિદ્ધાંત અનુસાર જ કામ કરે છે.

ફ્રાન્સ EUનો સભ્ય દેશ છે.

મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવને યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં ચીને વિટો વાપરીને અટકાવી દીધા બાદ ફ્રાન્સે હવે EUમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે.

યુએન સુરક્ષા પરિષદમાં 15માંથી 14 સભ્ય દેશોએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, પણ એકમાત્ર ચીને જ એનો વિરોધ કર્યો હતો.

મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત કરાશે એ પછી એ આ દેશોમાં આવી નહીં શકે અને યુરોપીયન યુનિયનના તમામ 28 દેશોમાં એની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.