નવાઝ શરીફની તબિયત નાજુકઃ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવી દિલ્હી:  જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યંત નાજુક છે. શરીફના બ્લડ પ્લેટલેટ કાઉન્ટ અચાનક ઘટી જતાં તત્કાલિક હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. નવાઝ શરીફ ભ્રષ્ટાચારના એક મામલામાં જેલની સજા ભોગવી રહ્યા છે. સોમવારે રાતે શરીફને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે.

લાહોર સ્થિત શરીફ મેડિકલ કોલેજની લેબમાંથી આવેલા રિપોર્ટ અનુસાર નવાઝના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને માત્ર બાર હજાર થઇ જતાં તેમની તબિયત નાજુક થઇ ગઇ હતી. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના પ્લેટલેટ કાઉન્ટ 1,40,000થી 1,50,000 હોવા જોઇએ. ઇમર્જન્સી જોઇને તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

જોકે, નવાઝ શરીફને સર્વિસ હોસ્પિટલમાં ખસેડાયા બાદ નેશનલ એકાઉટેબિલિટી બ્યૂરો (NAB) એ જણાવ્યું કે, હાલ તેમની તબિયત નિયંત્રણમાં છે અને ડેન્ગ્યુનો ટેસ્ટ પણ નેગેટીવ આવ્યો છે.

તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર અદનાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે, પૂર્વ પીએમ નવાઝ શરીફનું પ્લેટલેટ કાઉન્ટ ખતરનાક રીતે ઘટી ગયું છે, એના અનેક કારણો હોઈ શકે છે. ડો.ખાને 69 વર્ષીય નવાઝ શરીફની લાહોર સ્થિત જેલમાં મુલાકાત કરી અને તે બિમાર હોવાની જાણકારી મળી. ડો.અદનાને કહ્યું કે, નવાઝ શરીફ જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. એમની તબિયત ખૂબ નાજુક છે અને એ ખૂબ ગંભીર સ્થિતિમાં છે.

નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ અને નવાઝના ભાઈ શાહબાઝ શરીફ એ કહ્યું કે, ઈમરાનખાન સરકાર પાકિસ્તાનના પૂર્વ પીએમના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહી છે અને ડોક્ટરોની અનેક વખત સલાહ છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવી રહ્યા. શાહબાઝ શરીફ એ કહ્યું કે જો નવાઝ શરીફને કંઈ પણ થશે તો તેના માટે ઈમરાન ખાન જવાબદાર હશે. ડોક્ટરોએ કહ્યું કે, નવાઝ શરીફને સઘન ચિકિત્સા અને રેગ્યુલર ફોલોઅપની જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]