આગામી 90 દિવસમાં પાકિસ્તાન સામે થઈ શકે છે મોટી વૈશ્વિક કાર્યવાહી

ઈસ્લામાબાદ- આતંકવાદને આશ્રય આપનારા અને અનેકવાર વૈશ્વિક મંચ પર બેનકાબ થયેલા પાકિસ્તાન સામે વૈશ્વિક સ્તરે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યાં છે. પાકિસ્તાન જો વહેલીતકે આતંકીઓ સામે કાર્યવાહી નહીં કરે તો તેને મોટી કીમત ચુકવવી પડી શકે છે. ગતરોજ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) પાકિસ્તાનને ચેતવણી ઉચ્ચારી અને સુધરી જવા અંતિમ તક આપી હોવાનું જાણવા મળ્યું છે.વિશ્વમાં રુપિયાની ગેરકાયદે હેરાફેરી કરનારા સમુહો પર નજર રાખનારા સંગઠન ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, આતંકીઓ પર જલદી જ કાર્યવાહી કરે. આમ નહીં કરવામાં આવે તો 90 દિવસમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે પાકિસ્તાન તૈયાર રહે. ગતરોજ ફ્રાંસની રાજધાની પેરિસમાં FATFની એક બેઠક યોજાઈ હતી જેમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું હતું.

FATF પાકિસ્તાનનો ‘ગ્રે લિસ્ટ’માં સમાવેશ કરશે તેવી ધારણા હતી. જોકે FATF દ્વારા પાકિસ્તાનને સુધરી જવા માટે 90 દિવસનો અંતિમ અવસર આપ્યો છે. હવે જો પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર કાર્યવાહી નહીં કરે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જો પાકિસ્તાનનો સમાવેશ ‘ગ્રે લિસ્ટ’માં કરવામાં આવશે તો, પાકિસ્તાનમાં વૈશ્વિક રોકાણ પર રોક લાગી શકે છે. જેના લીધે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થશે. મહત્વનું છે કે, હાલના દિવસોમાં FATF દ્વારા ઈથોપિયા, ઈરાક, સર્બિયા, શ્રીલંકા, સીરિયા, ત્રિનિદાદ, ટોબેગો, ટ્યૂનિશિયા અને યમનનો સમાવેશ ‘ગ્રે લિસ્ટ’માં કરવામાં આવ્યો છે.

સૂત્રોનું માનીએ તો, અમેરિકાના દબાવમાં આવીને પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર બન્યું છે. આ પહેલા પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદના મુદ્દે અનેકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી ચૂક્યા છે. ટ્રમ્પની ફટકાર બાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને નજર કેદ કરવાની પાકિસ્તાનને ફરજ પડી હતી. જોકે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વિશ્વને ગુમરાહ કરવાની હતી અને થોડા દિવસોમાં જ હાફિઝને છોડી મુકવામાં આવ્યો હતો.