ભારતમાં ચૂંટણીઓને આંચ આવવા નહીં દઈએઃ માર્ક ઝકરબર્ગની ખાતરી

વોશિંગ્ટન – ફેસબુક કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે ભારત તથા અન્ય દેશોમાં ચૂંટણીઓ યોગ્ય રીતે યોજાય એ માટે એમની કંપની શક્ય એટલું બધું કરી છૂટશે.

ઝકરબર્ગ કેપિટોલ હિલ ખાતે યૂએસ સંસદની ન્યાયપાલિકા અને વાણિજ્ય સમિતિઓએ સંયુક્ત રીતે હાથ ધરેલી સુનાવણી વખતે ઉપસ્થિત થયા હતા અને કહ્યું હતું કે 2018નું વર્ષ સમગ્ર વિશ્વ માટે મહત્વનું છે. ભારત, પાકિસ્તાન જેવા અનેક દેશોમાં ચૂંટણીઓ થવાની છે. આ દેશોમાં ચૂંટણીઓ યોગ્ય અને સુરક્ષિત રીતે યોજાય એ માટે શક્ય હશે એ બધું અમે કરી છૂટશું.

ઝકરબર્ગે ઉમેર્યું કે ભારત, હંગેરી, બ્રાઝિલમાં આગામી ચૂંટણીઓ કેટલી મહત્વની છે એનાથી પોતે વાકેફ છે.

બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ ભારત સહિત દુનિયાભરમાં કરોડો ફેસબુક યૂઝર્સની ડેટાની ચોરી કરી હોવાનો હોબાળો મચી જતાં યૂએસ સંસદીય સમિતિઓએ ઝકરબર્ગને ખુલાસો કરવા માટે એમની સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું હતું. 33 વર્ષીય ઝકરબર્ગે સેનેટરો સમક્ષ હાજર થઈને જુબાની આપી હતી.

44 યૂએસ સંસદસભ્યોએ પાંચ કલાક સુધી ઝકરબર્ગને અણિયાળા સવાલો પૂછીને એમની અગ્નિપરીક્ષા લીધી હતી. તમામ સંસદસભ્યએ વારાફરતી ઝકરબર્ગને સવાલ પૂછ્યા હતા. દરેક સાંસદને સવાલ પૂછવા માટે પાંચ-પાંચ મિનિટ આપવામાં આવી હતી.

જુબાની આપતી વખતે અનેક વાર ઝકરબર્ગ ખૂબ ગભરાયેલા દેખાયા હતા અને પાણી પીતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]