ઈસ્લામાબાદ- ભારતના કેરળ સ્થિત એક્ટ્રાસેન્સરી પર્સેપ્શન સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા એક પત્રએ પાકિસ્તાનમાં દોડધામ મચાવી છે. અને હડબડાહટમાં પાકિસ્તાનમાં મોટા ભૂકંપની આગાહી જારી કરવામાં આવી. આ અંગેની માહિતી પાકિસ્તાન મીડિયા રિપોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
ગત શનિવારના રોજ પાકિસ્તાનના ભૂકંપ પુનર્નિમાણ અને પુનર્વસન સંસ્થાએ એક ડોક્યુમેન્ટના માધ્યમથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા જારી કરવામાં આવેલ એક સૂચનાત્મક રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું કે, એશિયામાં મોટી તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા છે.
મહત્વની વાત એ છે કે, પાકિસ્તાની જાસીસી સંસ્થા ISIની રિપોર્ટ ભારતના કેરળ સ્થિત ESP ક્ષેત્રમાં સ્થિત કામ કરનારા સંસ્થા B.K. રિસર્ચ એસોસિએશનના એક પત્ર પર આધારિત હતી. આપને જણાવી દઈએ કે, આ પત્રમાં સ્પેલિંગ અને વ્યાકરણ સંબંધી અનેક ખામીઓ હતી. અને આ પત્ર કંપનીના ડિરેક્ટર દ્વારા પીએમ મોદીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સંભવત ભૂકંપની શક્યતાને ધ્યાનમાં લઈને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનના એક અખબારમાં પ્રકાશિત એક રીપોર્ટનું માનીએ તો, 31 ડિસેમ્બર 2017 પહેલા પાકિસ્તાનમાં એક મોટા ભૂકંપની શક્યતા દર્શાવવામાં આવી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપને કારણે 11 દેશ પ્રભાવિત થશે અને આનાથી સમુદ્રની સરહદો બદલાઈ જશે. ઉપરાંત આ પત્રમાં દરિયાઈ તોફાન અંગે પણ ચેતવણી દર્શાવવામાં આવી છે. જે 120થી 180 કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશ લાવી શકે છે. આપને જણાવી દઈએ કે, કેરળની આ સંસ્થા ગ્રહોની દશા તેમજ તાપમાનમાં થતી વૃદ્ધિને આધાર બનાવીને અવારનવાર ભવિષ્યવાણી કરતી રહે છે.