હજી વધુ ખરાબ રોગચાળો આવવાની સંભાવનાઃ WHO

જિનિવાઃ ગયા એક વર્ષથી વિશ્વમાં જીવલેણ સાબિત થઈ રહેલો કોરોના વાઇરસ પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી ઉચ્ચારી છે કે એનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવે એવી શક્યતા છે. વિશ્વએ એનાથી લડવાની તૈયારીઓને લઈને ‘ગંભીર’ થઈ જવું જોઈએ. હવે WHOના ઇમર્જન્સી ચીફ માઇકલ રયાને સોમવારે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે આ વેક-અપ કોલ છે.

છેલ્લા એક વર્ષમાં આ નોવેલ કોરોના વાઇરસની ચપેટમાં આશરે આઠ કરોડ લોકો આવી ચૂક્યા છે અને વિશ્વમાં 18 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. રયાને કહ્યું હતુ કે આ રોગચાળો બહુ ગંભીર છે. એની સાથે તેમણે ચેતવણી આપી હતી કે એ બહુ ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે અને વિશ્વમાં દરેખ ખૂણે એની અસર વર્તાય છે. જોકે એ પણ જરૂરી નથી કે આ જ સૌથી મોટો રોગચાળો હોય. આ વાઇરસ બહુ સંક્રમક છે અને લોકોના જીવ પણ લઈ રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

WHOના વરિષ્ઠ સલાહકાર બ્રુસ એલવાર્ડે પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સામે લડવા માટે વેક્સિન બનાવવા સહિત વૈજ્ઞાનિક સ્તરે ઘણી પ્રગતિ કરી છે, પણ એ તૈયારીઓ ભવિષ્યમાં સામે આવનારા રોગચાળાને પહોંચી વળવા બહુ ઓછી છે.