2019માં વિશ્વને આ 10 મોટા ખતરાઓનો સામનો કરવો પડી શકે છે: રીપોર્ટ

નવી દિલ્હી- રશિયા, અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતો ભૂ-રાજકીય તણાવ ઉપરાંત આ ત્રણેય રાષ્ટ્રોની વચ્ચે સૈન્ય-રાજકીય વિરોધમાં વધારો તેમજ વેપાર યુદ્ધ અને મધ્યપૂર્વમાં મહાયુદ્ધની સંભાવના 2019ની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આ વાતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વિશ્વના જાણીતા 30 નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ ‘ગ્લોબલ રિસ્ક અને યુરેશિયા ઇન 2019’  અનુસાર, “2019 માં વિશ્વને લશ્કરી-રાજકીય વિરોધ, વેપાર યુદ્ધ, માનવીય વિપત્તિઓ અને પર્યાવરણની સમસ્યાઓ જેવા મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.”

અભ્યાસ દર્શાવે છે કે, વર્ષ 2019માં યુરેશિયા માટે 10 સૌથી મોટા વૈશ્વિક ખતરાઓને રેખાંકિત કર્યા છે, જેમાં યુએસ અને ચાઇના વચ્ચે વેપાર યુદ્ધમાં વ્યાપક વિસ્તારને લઈને વિરોધમાં વધારો,  મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, રશિયા અને પશ્ચિમ વચ્ચે સંબંધોનું પતન, યુરેશિયામાં હોટસ્પોટને દૂર કરવું, ભાગલાવાદ અને વંશીય સંઘર્ષોમાં વધારો, પર્યાવરણ અને જળ મુશ્કેલીમાં વધારો, સાયબર ખતરાઓ, નવા હથિયારો વસાવાની હરીફાઈની શરૂઆત, જંગી પરમાણુ અને ટેકનોલોજીકલ આપત્તિઓના જોખમને રેખાંકિત કરવામાં આવ્યાં છે.

વર્લ્ડ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુટ (IWEP) ના નિષ્ણાતોની એક ટીમએ આ અભ્યાસ તૈયાર કર્યો છે. આ ટીમનું નેતૃત્વ સંસ્થાના ડિરેક્ટર યેરઝેન સલ્ટિબાવેવ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસ 30 થી વધુ વૈશ્વિક નિષ્ણાંતો અને રાજકારણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાયો પર આધારિત છે. જેમાં ઘણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને નોબલ વિજેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 60 દેશોના એક હજારથી વધુ નિષ્ણાંતોએ તેમનો અભિપ્રાય આપ્યો છે.

આ અભ્યાસ તાજેતરમાં અસ્થાના ક્લબની ચોથી વાર્ષિક મીટિંગના ભાગરૂપે રજૂ કરાયો હતો. અસ્થાના ક્લબ આંતરરાષ્ટ્રીય ચર્ચા મંચ છે, જે કઝાખસ્તાનમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]