અંગ્રેજીના નિવૃત્ત શિક્ષકે જણાવી પ્રેસિડેન્ટ ટ્રમ્પના પત્રમાં અનેક ભૂલ

વોશિંગ્ટન- વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલો અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તલિખિત કરાયેલો એક પત્ર તેમાં રહેલી અનેક ભૂલને કારણે હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.ઘટના એવી બની કે, વ્હાઈટ હાઉસ તરફથી એક જવાબી પત્ર નિવૃત્ત મહિલા શિક્ષકને મોકલવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજીની આ મહિલા શિક્ષકને પત્રમાં લખાણ અને શૈલી સંબંધી અનેક ભૂલ જણાતા માર્કરથી તેને હાઈલાઈટ કરી પત્રને પરત મોકલી આપ્યો.

સાથે જ મહિલા શિક્ષકે પત્રના લખાણ માટે સુચન અને માર્ગદર્શન પણ મોકલ્યું હતું. પત્રના ઉપરના ભાગમાં ડાબી બાજુ વ્યાકરણ અને લખાણની શૈલી ચકાસવા જણાવ્યું. ઉપરાંત પત્રના નીચેના ભાગમાં નેશન શબ્દની શરુઆતમાં કેપિટલમાં લખવામાં આવેલા ‘એન’ શબ્દને લઈને નિવૃત્ત મહિલા ટીચરે જણાવ્યું કે, આ ખોટું છે.

વ્હાઈટ હાઉસ તરફથી જ્યોર્જિયાના એટલાન્ટામાં રહેતી 61 વર્ષની વોન મેસનને સંબોધન કરીને ગત 3 મેના રોજ ઈ-મેલ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, વોન મેસન હાઈસ્કૂલના શિક્ષક હતા અને તેઓ ગત વર્ષે નિવૃત્ત થયા હતા. પરંતુ તેમની શિક્ષક તરીકેની આદત હજી પણ યથાવત છે. અને તેમણે પ્રેસિડેન્ટના સરકારી નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં અનેક ભૂલ શોધી તે અંગે ધ્યાન દોર્યું હતું.

તેમણે પત્રમાં કેટલાક સુધારા કર્યા અને પત્રનો એક ફોટો પાડી તેને ફેસબુક ઉપર પણ પોસ્ટ કર્યો. સાથે તેમણે પત્રને વ્હાઈટ હાઉસને પરત મોકલ્યો હતો. તેમણે લખ્યું કે, પત્રમાં અનેક ભૂલ છે, હું આવા ખરાબ લખાણને સહન નહીં કરી શકું. જો તમને લાગે છે કે, તેમાં સુધારો કરવાની કોઈ તક છે તો તે કરવું જોઈએ.

જો કે પોતાના પત્રને કારણે વોન મેસન સોશિયલ મીડિયામાં ખાસા ટ્રોલ થયા છે. ઘણા લોકોએ જણાવ્યું કે, કેટલીક જગ્યા પર સાચું લખાણ હોવા છતાં તેને ખોટું દર્શાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]