ચૂંટણીના માહોલ વચ્ચે એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ આપ્યો આવો પ્રતિભાવ…

મુંબઈ: એશિયન બજારની વચ્ચે ભારતીય શેર માર્કેટમાં અલગ જ ચમક જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોમાં ભારતીય બજારની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આ જ કારણ છે કે, વિદેશી રોકાણકારો અન્ય ઉભરતા બજારોની સરખામણીએ ભારતીય બજારમાં સૌથી વધુ નાણાકીય રોકાણ કરી રહ્યાં છે.

આ શ્રેણીના રોકાણકારોમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામોની કોઈ અસર નથી જોવા મળી રહી. જો કે, એપ્રિલમાં જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતો 75 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી હતી ત્યારે તેમના રોકાણ પર મહદઅંશે બ્રેક લાગી હતી. પરંતુ આ રોકાણકારોએ એપ્રિલમાં 11,600 કરોડ રૂપિયા ભારતીય બજારમાં લગાવ્યા હતાં.

માર્ચમાં તેમનું રોકાણ બે વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારે તેમણે 42,700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ વર્ષે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોએ 9.9 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. અન્ય ઉભરતા બજારોની તુલનામાં આ સૌથી વધુ છે.

એડવાન્સ કેપિટલ આલ્ટરનેટ સ્ટ્રેટેજીના મુખ્ય કાર્યકારી અધિકારી એન્ડ્રયૂ હાલેન્ડે કહ્યું કે, એપ્રિલમાં ચૂંટણી અસ્થિરતાને કારણે વિદેશી રોકાણની રફતાર ઓછી થઈ છે. પરંતુ તેનાથી ચિંતા કરવાની જરુર નથી. કારણ કે તે સતત વધી રહ્યું છે.

બેન્ચમાર્ક નિફ્ટી-50 ઈન્ડેક્સે આ વર્ષે માર્ચમાં 7.7 ટકાની તેજી નોંધાવી હતી. એપ્રિલમાં આ 1.1 ટકા વધી અને 18 એપ્રિલના 11,856.15ના  સ્તર પર પહોંચ્યો હતો. જો કે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીને પગલે એપ્રિલના વધારાને સાફ કરી દીધો હતો.

ચૂંટણીના માહોલ વચ્ચે પણ વિદેશી રોકાણકારીનું વલણ ભારતીય બજારમાં ખરીદારીનું જ જોવા મળી રહ્યું છે. આ દર્શાવે છે કે, વિશ્વની સૌથી જડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા કેટલી મજબૂત છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતીય બજારમાં ભૂ-રાજકીય અસ્થિરતાનું પ્રમાણ 45.4 છે, જે ઉભરતા બજારોમાં સૌથી વધુ છે.