ઈમેજ બદલવા પ્રયાસ કરી રહ્યા છે ટ્રમ્પ? હવે પુતિનને મળવાની વ્યક્ત કરી ઈચ્છા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગણના એક કડક અને સખત મિજાજી નેતા તરીકે કરવામાં આવે છે. તેમના નિવેદનો અને પ્રતિસ્પર્ધીઓ ઉપર સીધા પ્રહાર કરનારા ટ્વીટ્સના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. જોકે હવે એવું લાગી રહ્યું છે કે, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની છબી સુધારવા પ્રયાસ કરી રહ્યા છે.એક સમયના તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ સાથે મુલાકાત કર્યા બાદ હવે ટ્રમ્પ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી શકે છે. મહત્વનું છે કે, અમેરિકા અને રશિયાનું સંબંધો ઘણા તણાવભર્યા રહ્યાં છે. અને જ્યારથી ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આવ્યા છે ત્યારથી  તણાવમાં વધારો થયો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, તેઓ રશિયાના તેમના સમકક્ષ વ્લાદિમીર પુતીન સાથે મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, રશિયાને G-7 દેશોના સમુહમાં ફરીવાર જોડાવાની મંજૂરી આપવી જોઈએ. મહત્વનું છે કે, લાંબા વિવાદ બાદ રશિયા G-7 સમુહના દેશોમાંથી ખસી ગયું હતું.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં બન્ને નેતાઓ વચ્ચે G-20 સમિટ દરમિયાન મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ વર્ષે માર્ચ મહિનામાં બન્ને નેતાઓએ ફોન પર વાત કરી હતી. ત્યાર પછી બન્ને વચ્ચે કોઈ મુલાકાત યોજાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયના પ્રમુખ વ્લાદિમીર પુતિનની બેઠકનો એજન્ડા નક્કી કરવા બન્ને દેશોના વિદેશપ્રધાન નજીકના ભવિષ્યમાં મુલાકાત કરી શકે છે.