ટ્રમ્પનો ભારત પ્રેમ: ભારત જેવા દેશ સાથે કામ કરવું વધુ સારું

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રેમ વધુ એકવાર સામે આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત સહિત રશિયા અને ચીન જેવા દેશો સાથે કામ કરવું ઘણી સારી વાત છે. રશિયા સાથેના અમેરિકાના સંબંધોને લઈને થઈ રહેલી આલોચનાનો જવાબ આપતાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની સેનાને વધુ મજબૂત બનાવવા અને અમેરિકામાં તેલ અને કુદરતી ગેસનો ભંડાર વધારવાને લઈને તેઓ કામ કરી રહ્યાં છે. જે રશિયાના પ્રેસિડેન્ટ પુતીનને પસંદ નથી આવ્યું. આજ કારણ છે કે, રશિયા અને અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે.

આપને જણાવી દઈએ કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ સાથે વ્હાઈટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યાં હતા તે દરમિયાન ટ્રમ્પે રશિયા સાથેના સંબંધો સુધારવાની થઈ રહેલી આલોચનાનો જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અશિયામાં ભારત, રશિયા અથવા ચીન જેવા દેશો સાથે કામ કરવું અમેરિકા માટે ઘણી સારી વાત છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધું નહતું.

વધુમાં ટ્રમ્પે કહ્યું કે, ઉત્તર કોરિયા અંગે ચાલી રહેલા ગતિરોધનો ઉકેલ જલદી આવે તે સૌના હિતમાં છે. આ અંગે ટ્રમ્પે અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનને જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, હિલેરીએ અમેરિકાની સેનાને મજબૂત કરવા કોઈ નક્કર પગલા નથી ભર્યાં. આપને જણાવી દઈએ કે, હિલેરી ક્લિન્ટન અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનના પત્ની છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની સામે પ્રેસિડેન્ટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં. જોકે તેમનો પરાજય થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]