ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ખર્ચે મહેમાનોને જમાડવાની નોબત આવી ગઈ…

વોશિંગ્ટન – અમેરિકામાં લગભગ છેલ્લા 25 દિવસથી શટડાઉન ચાલી રહ્યું છે. શટડાઉનને પગલે વ્હાઈટ હાઉસની બહાર ફરજિયાત રજા પર ઉતરેલા સંઘીય કર્મચારીઓએ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. હવે શટડાઉનની અસર ધીમે ધીમે વ્હાઈટ હાઉસની અંદર પણ જોવા મળી રહી છે. હક્કીકતમાં પગાર નહીં મળવાને કારણે વ્હાઈટ હાઉસનો સ્ટોફ નોકરી છોડીને રજા પર ઉતરી ગયો છે. વ્હાઈટ હાઉસના શેફ (રસોઈયા) રજા પર ઉતરી જતા અહીં ભોજન બનાવનાર કોઈ રહ્યું નથી. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂરીમાં બહારથી ખાવાનું મંગાવવાની નોબત આવી છે.

એક જાણીતી સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે એમેરિકન કોલેજ ફુટબોલ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ ક્લેમસન ટાઈગર્સને વ્હાઈટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ હાલ વ્હાઈટ હાઉસના રસોઈયા રજા પર ઉતરી ગયા છે. જેથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રિત મહેમાનો માટે ફાસ્ટફૂડનું આયોજન કરતા બહારથી પિઝા અને બર્ગર મગાવવા પડ્યા હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પે મહેમાનોને ડાઈનિંગ રૂમમાં પિઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવી હતી. અહીં મહત્વની વાત તો એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ખર્ચે આ જમવાનું મંગાવ્યું હતું.

શટડાઉન

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, જો હું પ્રેસિડેન્ટ બનીશ તો, મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવડાવીશ. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે તેમણે આપેલા વચનને પૂર્ણ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી. જેના માટે સંસદ પાસેથી 5.7 અબજ ડોલર (અંદાજે 40 હજાર કરોડ રૂપિયા) અતિરિક્ત બજેટની માગ કરી હતી. આ બજેટ ફાળવણીને લઈને સંસદમાં સહમતી ન બનતા અમેરિકામાં શટડાઉનની સ્થિતિ ઉભી થઈ છે.

યુએસ શટડાઉનને પગલે લગભગ 8 લાખ કર્મચારીઓ પ્રભાવિત થયાં છે. આ કર્મચારીઓને કાં તો રજા પર રહેવું પડે છે, અથવાતો વગર પગારે કામ કરવું પડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકામાં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં થયેલું શટડાઉન 21 દિવસ સુધી ચાલ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]