જોન બોલ્ટન બનશે USના નવા NSA, 9 એપ્રિલથી સંભાળશે પદભાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત કેટલાક દિવસો દરમિયાન ઘણા ચોંકાવનારા નિર્ણયો કર્યા છે. પહેલા તેમણે વિદેશપ્રધાન રેક્ટ ટિલરસનને તેમના પદેથી હટાવ્યા. અને ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદેથી એચ. આર. મેકમાસ્ટરને દુર કર્યા એ પણ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય માનવામાં આવે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે UNના પૂર્વ એમ્બેસેડર જોન બોલ્ટનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે, ‘મને જણાવતાં ખુશી થઈ રહી છે કે 9 એપ્રિલે જોન બોલ્ટન અમેરિકાના નવા (NSA) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકેનું પદ સંબળાશે’. વધુમાં ટ્રમ્પે લખ્યું કે, ‘હું જનરલ એચ.આર. મેકમાસ્ટરનો તેમની સેવાઓ માટે આભાર વ્યકત કરુ છું. તેમણે સરાહનીય કામ કર્યું છે. તેઓ હંમેશા મારા મિત્ર બનીને રહેશે’.

વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ જોન બોલ્ટન રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલાં મુદ્દાઓ અંગે ઘણી સમજ ધરાવે છે. વર્ષ 2001થી 2005 દરમિયાન બોલ્ટન વિદેશ મંત્રાલયના આર્મ્સ કંટ્રોલ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરિટી વિભાગમાં પ્રધાન પદે રહ્યાં હતાં. ઉપરાંત વર્ષ 2005-06માં જોન બોલ્ટન યુનાઈટેડ નેશનમાં અમેરિકાના એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.