ટ્રમ્પ અચાનક UN મુખ્યાલય પહોંચ્યા, પર્યાવરણ રક્ષણ વિશે મોદીનું ભાષણ સાંભળ્યું

ન્યૂયોર્ક – અત્રે સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાના મુખ્યાલય ખાતે સંસ્થા દ્વારા ગઈ કાલે આયોજિત આબોહવા પરિવર્તન અંગેના શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે જલવાયુ પરિવર્તન (પર્યાવરણ રક્ષણ) અંગે હવે વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે દુનિયાના દેશોએ કંઈક કરી બતાડવાની જરૂર છે.

પોતાની સરકાર દ્વારા પર્યાવરણ રક્ષણ માટે લેવામાં આવેલા પગલાં અને સરકારની પર્યાવરણ નીતિ વિશે મોદીએ પોતાના સંબોધનમાં વિગતવાર રજૂઆત કરી હતી.

મોદીએ કહ્યું કે અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ આદરી છે.

મોદીએ દુનિયાના દેશોને કહ્યું કે આપણે એ સ્વીકાર કરવો જોઈએ કે જો આપણે આ પ્રકારના ગંભીર પડકારને પહોંચી વળવું હોય તો આપણે આજે જે કંઈ કરી રહ્યા છીએ એ પર્યાપ્ત નથી.

આ સંમેલનની વિશેષતા એ હતી કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોદીનું ભાષણ સાંભળવા માટે ખાસ યુએન મુખ્યાલયમાં પહોંચ્યા હતા. એમની તે મુલાકાત પહેલેથી જ નિશ્ચિત નહોતી. એમણે ત્યાં સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. એમને ત્યાં હાજર થયેલા જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્રમ્પ ખાસ મોદીનું ભાષણ સાંભળવા માટે પહોંચ્યા હતા.

ટ્રમ્પ ત્યાં લગભગ 15 મિનિટ સુધી રહ્યા હતા. એમણે પોતે સંમેલનમાં સંબોધન કર્યું નહોતું. મોદીના ભાષણને એમણે તાળી પાડીને બિરદાવ્યું હતું. મોદીનું ભાષણ સાંભળીને ટ્રમ્પ યુએન મુખ્યાલયમાંથી રવાના થઈ ગયા હતા.

પોતાની યુએસ મુખ્યાલયમાં સરપ્રાઈઝ વિઝિટ વિશે ટ્રમ્પે બાદમાં પત્રકારોને કહ્યું હતું કે હું સ્વચ્છ હવા અને સ્વચ્છ જળની જરૂરિયાતમાં માનું છું એટલે સંમેલનમાં ગયો હતો. અમેરિકામાં આજે અગાઉ કરતાં હવા અને પાણી વધારે સ્વચ્છ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ ગયા રવિવારે હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં વડા પ્રધાન મોદીના સમ્માન સમારંભ હાઉડી મોદીમાં પણ ખાસ હાજર રહ્યા હતા અને અડધો કલાક સુધી ભાષણ કર્યું હતું તેમજ ત્યાં બેસીને મોદીનું ભાષણ પણ સાંભળ્યું હતું. ટ્રમ્પે મોદીને એમના ગાઢ મિત્ર તરીકે ઓળખાવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]