ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગને આપ્યું વ્હાઈટ હાઉસ આવવાનું નિમંત્રણ

સિંગાપુર- જે મુલાકાતનો સમગ્ર વિશ્વને ઈંતેજાર હતો આખરે તે બેઠક યોજી ગઈ. સિંગાપુરમાં આજે સવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ નેતા કિમ જોંગ વચ્ચે મુલાકાત યોજાઈ ગઈ. બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કિમ જોંગ સાથેની બેઠક અપેક્ષિત કરતાં વધુ સારી હતી.બન્ને નેતાઓએ કેટલાક કરાર ઉપર પણ હસ્તાક્ષર કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગે એક સંયુક્ત નિવેદન જારી કરતા જણાવ્યું કે, દુનિયા જલદી જ મોટા બદલાવની સાક્ષી બનશે. આ સાથે જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયા જલદી જ પરમાણુ નિ:શસ્ત્રીકરણની દિશામાં કાર્યવાહી વધુ ઝડપી કરશે.

ઉલ્લેખનીય છે કે, હજી થોડા મહિના અગાઉ બન્ને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ હવે સમય બદલાયો છે. બન્ને નેતાઓ સિંગાપુરમાં ઉષ્માપૂર્ણ વાતાવરણમાં એક-બીજાને મળ્યા અને દ્વિપક્ષીય ચર્ચા પણ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે અત્યાર સુધીમાં બે તબક્કાની ચર્ચા યોજાઈ ચુકી છે. આ સિવાય બન્ને નેતાઓએ બપોરનું ભોજન પણ સાથે કર્યું હતું. બન્ને દેશોના પ્રતિનિધિમંડળની વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કિમ જોંગ સાથેની તેમની બેઠક અપેક્ષા કરતાં વધુ સારી રહી છે. આ ઉપરાંત બેઠક બાદ બન્ને નેતાઓ હોટલની લોબીમાં લટાર મારતા પણ જોવા મળ્યા હતા.