રદ થઈ શકે છે ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત, આ રીતે બદલાયો માહોલ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ નેતા કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી ઐતિહાસિક બેઠક રદ થઈ શકે છે. આગામી 12 જૂને સિંગાપુરમાં યોજનારી બેઠક પહેલા કંઈક એવો માહોલ સર્જાયો છે કે, બેઠક યોજાવાની શક્યતા નહીંવત જણાઈ રહી છે. અને જો કદાચ બેઠક યોજાશે તો પણ નિશ્ચિત સમયે નહીં યોજાય તેમ જાણવા મળી રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે, ગત કેટલાંક સમયથી બેઠકને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જે વાયદો કર્યો છે, તો શું ટ્રમ્પ તેના વાયદાથી પાછળ હટી જશે?મહત્વનું છે કે, જ્યારથી બન્ને નેતાઓની બેઠકની વાત સામે આવી છે ત્યારથી અમેરિકા સતત ઉત્તર કોરિયા ઉપર તેના પરમાણુ કાર્યક્રમ અટકાવવા દબાણ વધારી રહ્યું છે. જેની સામે ઉત્તર કોરિયાએ પણ વાયદો કર્યો હતો કે, તે જલદી જ પોતાના પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ રદ કરશે. પરંતુ ગત સપ્તાહે ઉત્તર કોરિયા તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે, જો પરમાણુ હથિયારોને લઈને અમેરિકા એકતરફી દબાણ કરશે તો વાતચીત રદ પણ કરવામાં આવી શકે છે.

હકીકતમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ગત સપ્તાહથી ચાલી રહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસથી ઉત્તર કોરિયા નારાજ છે. ઉત્તર કોરિયાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલો સંયુક્ત સૈન્ય અભ્યાસ ઉત્તર કોરિયાને ઉશ્કેરવા માટે છે. આ સૈન્ય અભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ આશ્ચર્ચજનક નિર્ણય કરતાં દક્ષિણ કોરિયા સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક રદ કરી હતી.

બીજી તરફ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેઈન્સે તાજેતરમાં એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શાંતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જો કિમ જોંગ કોઈ પ્રકારની રમત રમવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો આ તેની સૌથી મોટી ભૂલ હશે.