ટ્રમ્પની ઈરાનને ફટકાર, પશ્ચિમ એશિયાને અસ્થિર કરવાનો લગાવ્યો આરોપ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને ફટકાર લગાવી છે અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતા ફેલાવવાનો ઈરાન પર આરોપ લગાવ્યો છે. આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતે તેમના સહયોગી રાજદૂતને એક કથિત મિસાઈલનો કાટમાળ બતાવ્યો હતો જે સાઉદી અરબ પર છોડવામાં આવી હતી.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સદસ્યો અને પોતાના દેશની સુરક્ષા ટીમ સાથે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા પાસે કરવા લાયક ઘણાં કામ છે. ટ્રમ્પે ઈરાનની પશ્ચિમ એશિયાને અસ્થિર કરનારી ગતિવિધિઓ સહિત સીરિયામાં સંઘર્ષ વિરામ, આતંકવાદ સામે મુકાબલો અને ઉત્તર કોરિયાના પરમાણુ નિશસ્ત્રીકરણ સહિત અનેક ઉદ્દેશ્યોની એક યાદી જાહેર કરી હતી.

આ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી સુરક્ષા પરિષદના તેમના સહયોગીઓને મિસાઈલનો કાટમાળ બતાવવા વોશિંગ્ટનમાં સંયુક્ત બેઝ અનાકોત્સિયા-બૉલિંગ લઈ ગયા હતા. ત્યારબાદ નિક્કી હેલીએ કહ્યું કે, પુરાવાઓ એ દિશા તરફ નિર્દેશ કરી રહ્યા છે કે, ઈરાન તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ યોગ્ય રીતે નથી નિભાવી રહ્યું.

નિક્કી હેલીએ કહ્યું કે, ઈરાનનું નકારાત્મક વલણ તેના પાડોશી દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક સમુદાય માટે પણ ખતરો સાબિત થઈ રહ્યું છે. જેથી ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમ હેલીએ સુરક્ષા પરિષદને જણાવ્યું હતું. શક્ય છે આ કાર્યવાહીનો અમલ ઈરાન ઉપર નવા પ્રતિબંધો મુકીને પણ કરવામાં આવી શકે છે. પરંતુ જો આમ કરવામાં આવશે તો રશિયા તેનો વિરોધ કરી શકે છે કારણકે તહેરાન સાથે રશિયાના સંબંધો ઉષ્માપૂર્ણ છે.

જોકે હાલ તો, ઈરાનના વિદેશપ્રધાન જાવેદ જરીફે તેમના ટ્વીટર પર બેઝમાં પડેલા કોઈ મિસાઈલના કાટમાળની ઘટનાને ખોટી ગણાવી છે. અને આ સમાચાર પાયાવિહોણા હોવાનું કહ્યું છે. જાવેદ જરીફે ટ્રમ્પ પર આરોપ લગાવતા કહ્યું કે, ટ્રમ્પ પ્રશાશન સુરક્ષા પરિષદમાં ઈરાન વિરુદ્ધ માહોલ બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે.