ડિજિટલ સિક્યોરિટીના દાવા પોકળ: ડેટા લીક મામલામાં ભારત બીજા નંબરે

નવી દિલ્હી: ભારત ડેટા હેકિંગના મામલાઓમાં આ વર્ષના પહેલા છ માસિક તબક્કામાં અમેરિકા પછી બીજા નંબર પર છે.  ડિજિટલ સુરક્ષા કંપની ગેમાલ્ટોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2018ના પહેલા છ માસિક તબક્કામાં આધાર હેકિંગના મામલામાં એક અબજ રેકોર્ડ ચોરી થયા છે. આમાં વ્યક્તિના નામ, એડ્રેસ અને બીજી વ્યક્તિગત માહિતીઓનો સમાવેશ થાય છે. આ મામલામાં UIDAIને મોકલેલા ઇ-મેઇલનો પણ જવાબ નથી મળ્યો.રિપોર્ટ પ્રમાણે ભારતમાં આધારની માહિતી લીક થવાના કારણે હેકિંગનો આંકડો ઉંચો છે. ગેમાલ્ટોના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં સૌથી વધારે હેકિંગના મામલા પ્રકાશમાં આવ્યા છે.  વૈશ્વિક સ્તરના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે હેકિંગના કુલ કિસ્સાઓમાંથી 57 ટકા કિસ્સાઓ માત્ર અમેરિકામાં બન્યા છે. જોકે, અમેરિકાના હેકિંગના મામલાઓમાં છેલ્લા છ મહિનામાં 17 ટકા ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરના કુલ હેકિંગમાં 37 ટકા હેકિંગના કિસ્સા ભારતમાં બન્યા છે. આમ, ભારતમાં કુલ 1 અબજ જેટલા ડેટા ચોરીના મામલા સામે આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે અબજ યુઝર્સના ડેટા હેક થયા છે. વૈશ્વિક સ્તરે આ બહુ મોટી ઘટના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ 500 રૂ. આપીને 1.2 અબજ ભારતીય નાગરિકોની અંગત માહિતી મેળવી શકે છે.

UIDAIએ હાલમાં ડેટા હેકિંગની કોઈ ઘટનાનો ઇનકાર કર્યો છે. આ સિવાય UIDAI આ સમાચાર આપનાર પત્રકાર રચના ખૈરા અને અન્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]