યુરોપિયન સંઘની જેમ ચીન સાથે રહી શકે છે તિબેટ: દલાઈ લામા

તિબેટ- તિબેટીયનોના આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું કે, ચીન સાથે તિબેટનું અસ્તિત્વ એ રીતે શક્ય છે, જેવી રીતે યુરોપિય સંઘના દેશો એકબીજા સાથે જોડાયેલા છે. દલાઈ લામાએ જણાવ્યું કે, તે પોતાના દેશ માટે સ્વરાજ્ય ઈચ્છે છે, સ્વતંત્રતા નહીં.મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ફોર તિબેટની 30મી વર્ષગાંઠ નિમિત્તે દલાઈ લામાએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, ‘હું હમેશાથી યુરોપિયન સંઘની ભાવનાઓની કદર કરતો રહ્યો છું. દલાઈ લામાએ કહ્યું કે, વ્યક્તિના હિત કરતા સમાજનું હિત વધુ મહત્વપૂર્ણ બની જાય છે’. હું મર્યાદાઓ ઓળંગવા કરતાં મર્યાદામાં રહેવાનું યોગ્ય ગણીશ.

ઉલ્લેખનીય છે કે, ચીન દલાઈ લામાને ખતરનાક અલગતાવાદી ગણે છે. દલાઈ લામા વર્ષ 1959થી જ નિર્વાસિત જીવન વ્યતીત કરે છે અને ભારતમાં રહે છે. વર્ષ 1959માં તિબેટમાં એક જનક્રાંતિ અસફળ થયા બાદ દલાઈ લામાને દેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ચીનની સેનાએ તિબેટ પર કબજા મેળવ્યો હતો. અને દલાઈ લામાએ ભારતના ધર્મશાલામાં પોતાના કેન્દ્રની સ્થાપની કરી અને ભારતમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે, ચીન દલાઈ લામા માટે હંમેશાથી આકરા શબ્દોનો પ્રયોગ કરતું રહ્યું છે. ચીન સરકારે જણાવ્યું હતું કે, દલાઈ લામા ‘ભિક્ષુના વેશમાં અલગતાવાદી’ છે. અને ચેતવણી ઉચ્ચારી હતી કે, કોઈ પણ દેશના રાષ્ટ્રાધ્યક્ષ દલાઈ લામા સાથે મુલાકાત કરે નહીં.

જોકે ચીનની ચેતવણી છતાં વિશ્વના અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો દલાઈ લામા સાથે વ્યક્તિગત રુપે મુલાકાત કરતાં રહ્યાં છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ દલાઈ લામા સાથે અનેકવાર મુલાકાત કરી ચુક્યાં છે. જોકે વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી દલાઈ લામા સાથે મુલાકાત કરી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]