માની મમતાના ગીતને વિશ્વપ્રસિદ્ધ ગ્રેમી એવોર્ડમાં સ્થાન મળ્યું, નોમિનેશન…

દાહોદઃ વિશ્વના જાણીતા એવોર્ડ ગ્રેમી એવોર્ડમાં એક ગુજરાતીનું નોમિનેશન થયું છે. સંગીતની દુનિયા માટે વિશ્વપ્રિદ્ધ આ એવોર્ડ માટે આ વર્ષે દાહોદની પુત્રવધુ ફાલ્ગુની શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલા આલ્બમને સ્થાન આપવામાં આવ્યું છે.

ફાલ્ગુની દાહોદના વતની દિલીપ શાહના પુત્રવધુ છે અને સારા ગાયિકા છે. ગૌરવ શાહ કેન્સરના નિષ્ણાત છે. લગ્ન પછી ફાલ્ગુની અને તેમના પતિ ડો. ગૌરવ અમેરિકામાં સ્થાયી થયાં છે. ફાલ્ગુનીએ આ ગ્રેમી એવોર્ડમાં પસંદગી પામેલું આ ગીત પોતાના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી તૈયાર કર્યું છે. ત્યારે પોતાના બાળકના બાળસહજ પ્રશ્નોમાંથી તૈયાર થયેલા આ ગીતને વિશ્વપ્રસિદ્ધ ગ્રેમી એવોર્ડમાં સ્થાન મળતાં અત્યારે આખો પરિવાર આનંદવિભોર બન્યો છે. આ એવોર્ડ ફંક્શન આગામી 10 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા લોસ એન્જલસમાં યોજાશે જેમાં ફાલ્ગુની શાહને રેડ કાર્પેટમાં સ્થાન પ્રાપ્ત થશે.

ફાલ્ગુની શાહ મૂળ મુંબઈના રહેવાસી છે. તેમણે દાહોદના વતની દિલીપ શાહના દીકરા ગૌરવ શાહ સાથે લગ્ન કર્યા હતા. ફાલ્ગુનીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી છે. તેઓ જ્યારે પોતાના પતિ સાથે અમેરિકામાં સ્થાયી થયા ત્યારબાદ વિદેશની ધરતી પર પણ તેમણે સંગીતના પોતાના શોખને જીવંત રાખ્યો અને તેના જ પરિણામે આજે તેઓ ગ્રેમી એવોર્ડ સુધી પહોંચ્યાં છે.