કાનૂની વિકલ્પો પૂરા થતાં જ એન્ટિગા સરકાર મેહુલ ચોક્સીની સોંપણી ભારતને કરી દેશે

સેન્ટ જોન્સ (એન્ટિગા એન્ડ બર્બુડા) –  એન્ટિગા એન્ડ બર્બુડા ટાપુરાષ્ટ્રોની સરકાર ભારતના ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીને ટૂંક સમયમાં જ ભારત સરકારને સોંપી દે એવી શક્યતા છે. એન્ટિગા ઓબ્ઝર્વર અખબારના અહેવાલ મુજબ, આ દેશના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને એમ કહ્યું છે કે ચોક્સી પાસેના તમામ કાનૂની વિકલ્પો પૂરા થઈ જશે તે પછી સરકાર એમને આપેલું આ દેશનું નાગરિકત્વ રદ કરશે.

એન્ટિગા એન્ડ બર્બુડા સરકારના આ નિર્ણયને ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટેનો માર્ગ મોકળો થયો છે.

બ્રાઉને કહ્યું છે કે ચોક્સીને અમારા દેશની પ્રક્રિયા અનુસાર નાગરિકત્વ આપવામાં આવ્યું હતું, પણ હકીકત એ છે કે એમનું નાગરિકત્વ પાછું ખેંચી લેવામાં આવશે અને એમની ભારતને સોંપણી કરી દેવામાં આશે. આ કેસનો અર્થ એવો નથી કે અમે કોઈ અન્ય દેશના આર્થિક ગુનેગારોને આશરો આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

એન્ટિગા એન્ડ બર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉન

બ્રાઉને વધુમાં કહ્યું છે કે અમારે નિશ્ચિત પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે છે. એનો કેસ અમારી કોર્ટમાં છે અને એની જાણ અમે ભારત સરકારને કરી દીધી છે. ગુનેગારોને પણ અમુક મૂળભૂત અધિકારો હોય છે અને ચોક્સીને પણ કોર્ટમાં જવાનો અને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, પરંતુ અમે તમને ખાતરી આપીએ છીએ કે જેવા ચોક્સી પાસેના તમામ કાનૂની વિકલ્પો પૂરા થઈ જશે એ પછી અમે એમની સોંપણી ભારતને કરી દઈશું.