અમેરિકાએ ચીનના BRI જેવા ઘણા પ્રોજેક્ટને રાષ્ટ્રોની સુરક્ષા માટે સંકટ ગણાવ્યાં

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ચીન મામલે એક કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે દુનિયાના ઘણા દેશોમાં ચલાવવામાં આવી રહેલા ચીનના BRI અને અન્ય પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાની ભલાઈથી વધારે તે દેશોની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ ચીનનો અબજો ડોલરનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં પાકિસ્તાન જેવા ઘણા અન્ય દેશોને પણ જોડવામાં આવી રહ્યા છે. આને વન બેલ્ટ-વન રોડ પહેલ પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે આનાથી એશિયા, આફ્રીકા, ચીન અને યૂરોપના દેશો વચ્ચે સંપર્ક તેમજ સહયોગ વધશે.

પોમ્પિયોએ વોશિંગ્ટનમાં કહ્યું કે ચીન અમેરિકા, તેના મીત્રો અને સહયોગિઓની સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યા છે. પોમ્પિયોએ નેશનલ રિવ્યૂ ઈન્સ્ટિટ્યૂટ 2019 આઈડિયા સમિટમાં કહ્યું કે તે સાઉથ ચાઈના સી માં એટલા માટે આગળ નથી વધી રહ્યા કે તેમને આવાજાહીની આઝાદી જોઈએ છે. દુનિયાભરમાં તેઓ પોર્ટ એટલા માટે બનાવવા નથી ઈચ્છતા કે તેઓ સારા શીપ બનાવી શકે અને જળમાર્ગોનું પ્રબંધન કરી શકે. પરંતુ તે પોતાના દરેક પગલે રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો પેદા કરી રહ્યા છે. તેમનો બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ પણ કંઈક અલગ નથી.

પોમ્પિયોએ કહ્યું કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં આ વાત કહીએ છીએ. તમે અમારા કોઈપણ રાજદૂત સાથે વાત કરો તો તેઓ આપને એ જ કહેશે કે અમે કાયદાના શાસન અંતર્ગત નિષ્પક્ષ અને પારદર્શી રીતે દુનિયામાં ક્યાંય પણ ચીની લોકો સાથે મુકાબલો કરવા તૈયાર છીએ.

તેમણે કહ્યું કે, જ્યારે તમે બજારમાંથી ઓછી કિંમત પર વસ્તુઓ ખરીદો છો અથવા એવું કંઈક કરો છો, કે જેનાથી તમે કેટલાક સમય માટે કોઈ દેશને હલાવી દો, ખાસકરીને લોન જેવી નીતિઓથી. તો હું સમજુ છું કે અમે પૂરી લગનથી દુનિયાને એ જણાવતા રહીશું કે તેઓ આ ખતરાને સમજે.

ઉલ્લેખનીય છે કે ભારત પહેલાથી જ BRI અંતર્ગત બનનારા ચાઈના-પાકિસ્તાન આર્થિક કોરિડોરને ખતરો બતાવી રહ્યું છે. કારણકે આ પાક અધિકૃત કાશ્મીરથી થઈને પસાર થાય છે. આશરે 3000 કિમી લાંબા સીપીઈસીનું લક્ષ્ય ચીન અને પાકિસ્તાનને રેલ, રોડ, પાઈપલાઈન તેમજ ફાઈબર કેબલ નેટવર્કથી જોડવાનું લક્ષ્ય છે.

પોમ્પિયોએ કહ્યું કે, દુનિયા આ ખતરા પ્રત્યે જાગૃત થઈ રહી છે. હું સમજુ છું કે ખાસ કરીને એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા આ જોખમ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે.

ઓબીઓઆર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પ્રિય પ્રોજેક્ટ છે. ચીને આર્થિક મંદીથી ઉભરવા, બેરોજગારીને પહોંચી વળવા અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વન બેલ્ટ, વન રોડ પરિયોજના રજૂ કરી છે. ચીને એશિયા, યૂરોપ અને આફ્રિકાને રોડ માર્ગ, રેલમાર્ગ, ગેસ પાઈપ લાઈન અને પોર્ટ સાથે જોડવા માટે વન બેલ્ટ, વન રોડ અંતર્ગત સિલ્ક રોડ ઈકોનોમિક બેલ્ટ અને મેરીટાઈમ સિલ્ક રોડ પરિયોજના શરુ કરી છે.

આ અંતર્ગત છ કોરિડોર બનાવવાની યોજના છે. આમાંથી ઘણા કોરિડોર પર કામ શરુ થઈ ગયું છે. આમાં પીઓકેથી પસાર થનારા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પણ શામિલ છે, જેનો ભારત સખ્ત વિરોધ કરી રહ્યું છે.