જિનપિંગની બાદશાહત સામે ચીનમાં વિરોધનો સ્વર, સાંસદોને લખ્યો પત્ર

બિજીંગ- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દેશની સત્તા પર લાંબા સમય સુધી શાશન કરી શકે તે માટે બંધારણમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જોકે હવે ચીનમાં તેમની વિરુદ્ધ વિરોધનો સ્વર ઉઠ્યો છે. ચીનના એક જાણીતા રાજકીય ટિપ્પણીકાર અને પ્રસિદ્ધ મહિલા વ્યવસાયીએ આ પ્રસ્તાવના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના બંધારણમાં જો નવો ફેરફાર અમલમાં આવશે તો રાષ્ટ્રપતિ શી જિનપિંગને અનિશ્ચિત મુદ્દત સુધી સત્તા પર કબ્જો કરવાની મંજૂરી મળી જશે.ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ટિપ્પણીકારે સાંસદોને પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી છે કે, તેઓ જિનપિંગને અનિશ્ચિત મુદ્દત સુધી સત્તામાં બની રહેવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને માન્ય કરે નહીં. મહત્વનું છે કે, ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની સમય મર્યાદા નાબૂદ કરવા ગતરોજ રોજ એક પ્રસ્તાવની જાહેરાત કરી હતી.

ચીનમાં આ પ્રસ્તાવના વિરોધમાં સોશિયલ મીડિયા પર એક નિવેદન પ્રસારિત થઈ રહ્યું છે. જેમાં સરકાર દ્વારા સંચાલિત ‘ચાઈના યુથ ડેઈલી’ના પૂર્વ સંપાદકે એક નિવેદનમાં ચીનના સંસદ સભ્યોને લખ્યું છે કે, રાષ્ટ્રપતિના કાર્યકાળની મર્યાદા નાબૂદ થવાથી અરાજકતા વધી શકે છે. વધુમાં જણાવવામાં આવ્યું કે, જો દેશના ટોચના નેતાના કાર્યકાળની કોઈ સમયમર્યાદા નહીં રહે તો આપણે રાજાશાહી શાસન તરફ આગળ વધીશું.