નવા વર્ષમાં ‘ડ્રેગન’નો સંકલ્પ: આંતરરાષ્ટ્રીય મામલાઓમાં વધારશે હસ્તક્ષેપ

બિજીંગ- એક તરફ જ્યાં સમગ્ર વિશ્વમાં નવા વર્ષ 2018ના આગમનની ખુશીઓની ઉજવવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ વિસ્તારવાદી નીતિ ધરાવનારા ચીને સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવાનો સંકલ્પ કર્યો છે.

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે નવા વર્ષે રાષ્ટ્રજોગ આપેલા પોતાના સંદેશમાં કહ્યું કે, ‘હવેથી ચીન દરેક મોટા આંતરરાષ્ટ્રીય મુદ્દા અંગે પોતાનો પક્ષ વધુ મજબૂતીથી રજૂ કરશે. આ સાથે જ જિનપિંગે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડને (OBOR) વધુ ઝડપ અને સક્રિયતાથી આગળ વધારવાનું આહ્વાન કર્યું છે.

જિનપિંગે કહ્યું કે, ચીન સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની પ્રભુતા અને કદને દ્રઢતા પુર્વક જાળવી રાખશે અને પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સામે ચાલીને પુરી કરવા તૈયારી દર્શાવશે. વધુમાં જિનપિંગે જણાવ્યું કે, જલવાયુ પરિવર્તનના મુદ્દાનું સમાધાન લાવવાના સંકલ્પ ઉપર ચીન કટિબદ્ધ છે. ચીન BREને પુરી સક્રિયતા સાથે આગળ વધારશે, સાથે જ વિશ્વશાંતિ, વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવામાં યોગદાન આપશે.

પાંચ વર્ષના તેમના બીજા કાર્યકાળના પ્રથમ નવા વર્ષના સંબોધનમાં જિનપિંગે કહ્યું કે, એક જવાબદાર દેશ તરીકે ચીનને હજી ઘણું કરવાનું બાકી છે. BRE દ્વારા ચીન રોડ, રેલ અને બંદરગાહ કનેક્ટિવિટી દ્વારા સમગ્ર વિશ્વ ઉપર પોતાનું પ્રભુત્વ વધારવા ઈચ્છે છે. જેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, CPEC પ્રોજેક્ટનો ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે કારણકે આ પ્રોજેક્ટ PoKમાંથી પસાર થાય છે.