અમેરિકા ‘ટ્રેડ વૉર’ શરુ કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે: ચીનની ચેતવણી

બિજીંગ- ચીને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, ‘જો વોશિંગ્ટન ચીન સાથે વ્યાપાર યુદ્ધ (ટ્રેડ વૉર) શરુ કરશે તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહે. ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તા જેંગ યેસ્યૂઈએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે, અમેરિકા સાથે ચીન વ્યાપાર યુદ્ધમાં ઉતરવા નથી ઈચ્છતું. પરંતુ જો પોતાના હિત સાથે સમાધાન કરવાની સ્થિતિનું નિર્માણ થશે તો ચીન અમેરિકા સામે પગલાં લેશે.ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ જેંગ યેસ્યૂઈએ વોશિંગ્ટનને ચેતવણી આપતાં જણાવ્યું કે, ખોટા નિર્ણયો અને ખોટી ધારણાઓ પર આધારિત નીતિઓ અમેરિકા અને ચીનના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડશે. અને તેના પરિણામ એવા આવશે જેને ચીન અથવા અમેરિકા કોઈ પણ સ્વીકારવા તૈયાર નહીં હોય. ચીનની આ પ્રતિક્રિયા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની ઘોષણા બાદ કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર ચીનથી સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યૂમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવશે. સાથે જ ટ્રમ્પે ‘ટ્રેડ વૉર’ને પણ યોગ્ય ગણાવ્યું હતું. ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તા જેંગ યેસ્યૂઈએ જણાવ્યું કે, વર્ષ 2017માં વિશ્વની બે આર્થિક મહાસત્તા ચીન અને અમેરિકા વચ્ચેનો કુલ વ્યાપાર 580 અબજ ડોલર પહોંચ્યો હતો, એટલે પરસ્પર હિતોને જાળવી રાખવા ટકરાવની સ્થિતિ સર્જાય તે સ્વાભાવિક છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સહયોગ એ ટકરાવની સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર વિકલ્પ છે.