ભારતીય દવાઓ પર આયાત શુલ્ક ઘટાડવા ચીન તૈયાર થયું

બિજીંગ- ચીને જણાવ્યું છે કે, તેણે ભારતીય દવાઓ પર આયાત શુલ્ક ઘટાડવા અને આ દવાઓના આયાતમાં વધારો કરવા માટે ભારત સરકાર સાથે કરાર કર્યો છે. ચીન ભારતથી ખાસ કરીને કેન્સર રોધક દવાઓની આયાત કરશે.ચીનના આ પગલાથી ભારત સાથેના ચીનના વ્યાવસાયિક સંબંધોમાં સુધારો થશે. આ એવા સમયે મહત્વનું ગણવામાં આવે છે જ્યારે અમેરિકા સાથે ચીનના વ્યાપાર સંબંધો ટ્રેડ વૉરને કારણે હાલમાં ગંભીર બન્યા છે. અને બન્ને દેશઓએ એક-બીજાના આયાતી સામાન ઉપર શુલ્ક વધારવાને કારણે સ્થિતિ વધુ કપરી બની છે.

ઉલ્લેખનીય છે કે, એશિયા-પેસિફિક ટ્રેડ એગ્રિમેન્ટ અંતર્ગત (APTA) ચોથા તબક્કાની ચર્ચાના અંતે ભારત અને ચીન બન્ને દેશોએ ગત 1 જુલાઈથી ઘણા ઉત્પાદન પર આયાત શુલ્કમાં ઘટાડો કર્યો છે. APTA માં ભારત અને ચીન ઉપરાંત બાંગ્લાદેશ, લાઓસ, દક્ષિણ કોરિયા અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે.

ચીને જણાવ્યું છે કે, તે ભારતમાંથી આયાત કરવામાં આવેલી 8 હજાર 549 વસ્તુઓ પર આયાત શુલ્કમાં ઘટાડો કરશે. જેમાં મુખ્યત્વે રાસાયણિક અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બદલામાં ભારત પણ ચીનમાંથી આયાત કરવામાં આવતા 3 હજાર 142 ઉત્પાદનો ઉપર આયાત શુલ્કમાં ઘટાડો કરશે.

ભારતનો એ વાતને લઈને વિશેષ આગ્રહ હતો કે. ચીન ભારતીય દવાઓ માટે તેનું બજાર ખોલે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 28 એપ્રિલના રોજ વુહાનમાં ચીનના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન ઉપરોક્ત વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ચોખા અને ખાંડ માટે પણ ચીનના બજારો ખોલવા ઉપર ભાર મુક્યો હતો. જેથી બન્ને દેશો વચ્ચેના વેપાર અસંતુલનને દૂર કરી શકાય.