ચીને 30,000 વૈશ્વિક નકશાઓનો કર્યો નાશ, અરુણાચલ અને તાઈવાનને…

પેઈચિંગ- ચીને એવા 30,000 હજાર નકશાઓનો નાશ કર્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશ અને તાઈવાનને ચીનના ભાગ તરીકે દેખાડવામાં આવ્યાં ન હતાં. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના કસ્ટમ વિભાગે તેમના દેશમાં પ્રિન્ટ કરવામાં આવેલા વિશ્વના નકશાની 30,000 નકલોનો નાશ કરી નાખ્યો છે, કારણ કે, આ નકશાઓમાં અરૂણાચલ પ્રદેશ અને તાઈવાનને ચીનના ભાગ તરીકે દર્શાવાયા ન હતાં.  આ વૈશ્વિક નકશાઓનું છાપકામ ચીનમાં થયું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે તમામ નકશા કોઈ અજ્ઞાત દેશમાં મોકલવાના હતાં.

ચીન ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશ પર દક્ષિણ તિબ્બતનો હિસ્સો હોવાનો દાવો કરે છે, અને પોતાના વલણને ઉજાગર કરવા ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારતીય નેતાઓના પ્રવેશ પર વાંધો ઉઠાવતું રહ્યું છે.

ભારતનું કહેવું છે કે, અરૂણાચલ પ્રદેશ તેમનો અભિન્ન હિસ્સો છે અને ભારતીય નેતા દેશના અન્ય ભાગોની જેમ જ સમય સમયે  અરૂણાચલ પ્રદેશ પણ જતા હોઈ છે. બંન્ને દેશોએ સંલગ્ન 3,488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ આ મુદ્દે 21 વખત ચર્ચા કરી ચુક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ સમાધાન નથી આવ્યું. ચીનથી અલગ થયેલા તાઈવાનને પણ  પણ ચીન તેમનો જ વિસ્તાર માને છે. વૈશ્વિક મંચ પર પોતાની સ્વાયત્તાને લઈને તાઈવાન સતત અવાજ ઉઠાવી રહ્યું છે.

ચાઈના ફોરેને અફેયર્સ યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ લોના પ્રોફેસર લી વેનઝાંગનું કહેવું છે કે નકશા નષ્ટ કરવા તે યોગ્ય પગલું છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તાઈવાન અને દક્ષિણ તિબેટ ચીનનો જ અભિન્ન અંગ છે.