વીગર મુસલમાનોને અલગ કેમ્પમાં રાખવાના નિર્ણયને ચીને યોગ્ય ગણાવ્યો

બિજીંગ- ચીનના અશાંત શિનજિયાંગ પ્રાંતમાં હજારો વીગર મુસલમાનોને ‘વ્યવસાયિક તાલીમ સંસ્થા’માં રાખવાને લઈને દુનિયાભારમાં તેના આ નિર્ણયની આલોચના કરવામાં આવી રહી છે. જોકે, ચીન સરકારે તેના આ વિવાદાસ્પદ નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને જણાવ્યું કે, આ કડક પગલા લેવાયા બાદ ગત 21 મહિનામાં આ પ્રાંતમાં આતંકી હુમલાઓ બંધ થયા છે.અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મીર પાસે આવેલો ચીનનો શિનજિયાંગ પ્રાંત ઘણા વર્ષોથી અશાંત છે. આ વિસ્તાર તુર્ક મૂળના વીગર મુસલમાનોની બહુમતી ઘરાવતો વિસ્તાર છે. જે લોકો અહીં હાન ચીનીઓને મોટા પ્રમાણમાં વસવાટ કરવાનો વિરોધ કરી રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રની જિનેવા સ્થિત વંશીય ભેદભાવ નિવારણ સમિતિએ કહ્યું છે કે, તેઓ શિનજિયાંગ પ્રાંતમાં વીગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓની કસ્ટડી અંગે ચિંતિત છે. વંશીય ભેદભાવ નિવારણ સમિતિએ તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે.

શિનજિયાંગ વીગર સ્વાયત્ત પ્રદેશના અધ્યક્ષ શોહરત ઝાકિરે જણાવ્યું કે, ‘હવે શિનજિયાંગ સામાન્ય રીતે સ્થિર છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 21 મહિના દરમિયાન અહીં કોઈ આતંકવાદી હુમલા કરવામાં આવ્યા નથી. અને જનસુરક્ષાને જોખમરુપ હુમલા સહિત ફોજદારી કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે’. ઉલ્લેખનીય છે કે, શોહરત પોતે પણ વીગર છે.