ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો આતંક પ્રેમ ફરી એકવાર દુનિયા સામે આવ્યો છે. ગત વર્ષે જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેના સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી બુરહાન વાણીના સમર્થનમાં પાકિસ્તાન ફરી એકવાર ખુલીને સામે આવ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ગ્રુપની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગે (PML) બુરહાન વાણીનો ફોટો લગાવેલી સ્કુલ બેગ બનાવડાવી છે. આ બેગને પાર્ટીના કાર્યકરો દ્વારા પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK) અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સ્કૂલોના બાળકોને આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ પાકિસ્તાનનો બુરહાન વાણી પ્રેમ જોવા મળ્યો હતો. બુરહાનની પુણ્યતિથિ પર પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ બુરહાનને શ્રદ્ધાંજલિ આપી હતી. નવાઝ શરીફે કહ્યું હતું કે, બુરહાનની મોતથી કશ્મીર ઘાટીમાં આઝાદીના આંદોલનમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. નવાઝે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું કે, ભારત બળપૂર્વક કશ્મીરની આઝાદીના પ્રયાસોને દબાવી નહીં શકે.
બુરહાનની પુણ્યતિથિ પર પાકિસ્તાની પીએમ દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ પર ભારતે પાકિસ્તાનની નિંદા કરી હતી અને જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર એક આતંકીનું આ રીતે મહિમામંડન કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાને બદને પોતાની ધરતી પરથી આતંકવાદનો સફાયો કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.