આગામી મહિને ભારતના રક્ષાપ્રધાન જશે ચીન, સરહદી તણાવ ઉકેલવા થશે પ્રયાસ

બિજીંગ- ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગના આજીવન પ્રેસિડેન્ટ બનવાનો રસ્તો સ્પષ્ટ થવો એ ભારતના દ્રષ્ટિકોણથી સારી વાત નથી. રાજકીય જાણકારોનું માનીએ તો, જિનપિંગનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વન બેલ્ટ, વન રોડ’ (OBOR) ભારત-ચીન સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. અબજો ડોલરના ખર્ચથી નિર્માણ થઈ રહેલી આ યોજનાને વર્ષ 2013માં લૉન્ચ કરવામાં આવી હતી જ્યારે જિનપિંગ સત્તામાં આવ્યા હતા.OBOR પ્રોજેક્ટમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જેનો ભારત શરુઆતથી જ વિરોધ કરતું આવ્યું છે. કારણકે આ યોજના પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાંથી (PoK) પસાર થાય છે. ગત વર્ષ ચીન દ્વારા આયોજીત બેલ્ટ એન્ડ રોડ ફોરમનો પણ ભારતે બહિષ્કાર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, ચીનના પ્રભાવને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે રોડ, પોર્ટ અને રેલવે નેટવર્કની શરુઆત કરવામાં આવી છે. ગત 11 માર્ચના રોજ ચીનની નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પ્રેસિડેન્ટના 2 કાર્યકાળની મર્યાદા સમાપ્ત કરાયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે શી જિનપિંગ હવે OBOR અને CPEC પર વધુ ભારપૂર્વક કાર્ય કરશે.

ચીનની રાજકીય પાર્ટી નેશનલ પીપલ્સ કોંગ્રેસે જિનપિંગના કાર્યકાળ અંગેનો ઐતિહાસિક નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે CPEC અને 73 દિવસના ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીન સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યાં છે. ભારતના રક્ષાપ્રધાન નિર્માલા સીતારમણ આગામી મહિને ચીનના રાજકીય પ્રવાસે જઈ રહ્યાં છે, જેને બન્ને દેશો વચ્ચે સંબંધ સુધારવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.

ચીનના વિદેશ મંત્રાલયના માન્યતા પ્રાપ્ત ચાઈના ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું કે, ‘ભારત અને ચીન બન્ને દેશોએ પરસ્પર વિશ્વાસનો અભાવ દૂર કરવાની જરુર છે’. વધુમાં તેમણે કહ્યું કે, પ્રેસિડેન્ટ તરીકે જિનપિંગનો કાર્યકાળ વધવાથી ભારતે ચિંતા કરવાની જરુર નથી. બન્ને દેશોએ ડોકલામ વિવાદથી શીખવાની જરુર છે. જેથી સંબંધોમાં કાયમી સ્થિરતા લાવી શકાય.