શ્રીલંકાની રાજધાની કોલંબો પાસે ફરીએકવાર વિસ્ફોટ, પોલીસે શરુ કરી તપાસ…

કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ફરીએકવાર બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સમયે કોલંબોથી લગભગ 40 કિલોમીટર દૂર પુગોડા ટાઉનમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે આ અંગે હજી સુધી કોઈ અધિકારીક માહિતી સામે આવી નથી.

પોલીસ અને લોકોએ આપેલી માહિતી અનુસાર, બોમ્બ વિસ્ફોટનો આ અવાજ પુગોડા ટાઉન સ્થિત મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ ખાલી પડેલી જમીન પરથી સંભળાયો છે. પુગોડા ટાઉન કોલંબોથી 40 કિમી દૂર છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટથી આખુ શ્રીલંકા ધણધણી ઉઠ્યું હતું. શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ ઝેલી ચૂકેલા શ્રીલંકામાં હજુ પણ હાઈ એલર્ટ છે. જેના પગલે પોલીસે બુધવારે અહીં એક થિયેટર પાસે ઊભેલી સંદિગ્ધ મોટરસાઈકલને નિયંત્રિત વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કોલંબોમાં સવોય સિનેમા પાસેના વિસ્તારને ખાલી કરાવીને એન્ટી બોમ્બ સ્ક્વોડે સંદિગ્ધ મોટરસાઈકલ પર નિયંત્રિત વિસ્ફોટ કર્યો. જો કે મોટર સાઈકલથી કોઈ વિસ્ફોટક મળી આવ્યો નહતો. શ્રીલંકા પોલીસે તમામ વાહનચાલકોને કહ્યું કે તેઓ શહેરમાં ક્યાંય પણ વાહન ઊભુ કરે તો પોતાનો ટેલિફોન નંબર વાહન પાસે છોડીને જાય.

રવિવારે ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં અત્યાર સુધી 359 લોકોના મોત થયા છે. આ મામલે 60 લોકોની ધરપકડ થઈ છે. શ્રીલંકામાં આ અત્યાર સુધીના સૌથી ઘાતક બોમ્બ વિસ્ફોટોની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકાના ઘાતક હુમલાની જવાબદારી લીધી અને હુમલાને અંજામ આપનારા આત્મઘાતીઓની ઓળખ પણ કરી. ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા હુમલાને સાત આત્મઘાતી હુમલાખોરોએ અંજામ આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]