મોદીએ લંડનમાંથી વિનંતી કરીઃ બળાત્કારની ઘટનાઓને રાજકીય રૂપ ન આપો

લંડન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર ખાતે ‘ભારત કી બાત, સબકે સાથ’ શિર્ષકવાળા ચર્ચાસત્ર દરમિયાન પાકિસ્તાન પરના સર્જિકલ હુમલા, ભારતમાં બળાત્કારની ઘટનાઓ, ભારતની વિદેશ નીતિ, વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત અનેક મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા હતા. દર્શકગણમાંથી પૂછવામાં આવેલા અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

મોદીએ ત્રાસવાદના મુદ્દે કહ્યું કે, જે લોકો ત્રાસવાદ ફેલાવે છે અને પીઠ પાછળ છરો ભોંકવાનો પ્રયત્ન કરે છે એમને સાંખી લેવામાં નહીં આવે અને એમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

મોદીએ કહ્યું કે, 2016માં એમની સરકારે જ્યારે સર્જિકલ હુમલા કર્યા હતા એની જાહેરાત મિડિયામાં થઈ એ પૂર્વે પાકિસ્તાન સરકારને એની જાણ કરી દેવામાં આવી હતી.

ભારતમાં માસુમ બાળકીઓ અને સગીર વયની બાળાઓ સહિત મહિલાઓ પર કરવામાં આવેલા બળાત્કાર અને હત્યાની અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, બળાત્કાર એ બળાત્કાર હોય છે. એવા દરેક બનાવ શરમજનક છે, એને સાંખી લેવામાં નહીં આવે. પરંતુ આવા બનાવોને વિરોધ પક્ષોએ રાજકીય સ્વરૂપ આપવું ન જોઈએ.

મોદીએ કહ્યું કે અગાઉની કોંગ્રેસ-યુપીએ સરકારની સરખામણીમાં પોતાની ભાજપ સરકારની કામગીરીની ગતિ ઘણી વધારે છે.

વિદેશ નીતિ અંગે મોદીએ કહ્યું કે, મારી સરકાર તમામ દેશોને સમાન ગણે છે અને ઈઝરાયલ, સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશો સાથેના સંબંધના મામલે નિષ્પક્ષ રીતે જ નિર્ણયો લે છે.

કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને દેખીતો કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે, મારે ગરીબી જાણવા વિશે પુસ્તકો વાંચવાની જરૂર નથી. હું પોતે ગરીબીમાં જ જીવ્યો છું. કોણ ગરીબ છે અને કોણ સમાજના પછાત વર્ગનાં લોકો છે એ હું બરાબર રીતે જાણું છું. મારે ગરીબ લોકો માટે સેવા બજાવવી છે.

ચર્ચાસત્ર લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું.