પૂર્વની પુત્રી તરીકે ઓળખાતી બેનઝિરની હત્યાનું રહસ્ય 12 વર્ષે પણ અકબંધ

નવી દિલ્હી: પાકિસ્તાનને ધર્મના મામલે ઘણો કટ્ટર દેશ માનવામાં આવે છે. 1988માં પ્રથમ વખત આ દેશની રાજકીય કમાન એક મહિલાએ સંભાળી હતી. એ મહિલા એટલે બેનઝિર ભુટ્ટો જેની હત્યાને લાંબો સમય વિતી ચૂક્યો હોવા છતાં આજે પણ તેમની હત્યા કોણે કરી એ રહસ્ય જ છે. વર્ષ 2007ની 27 ડિસેમ્બરે બેનઝિર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. બેનઝિર ભુટ્ટો પાકિસ્તાનમાં લોકશાહી તરીકે ચૂંટાયેલા પ્રથમ પ્રધાનમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની પુત્રી હતા. જનરલ જિયા-ઉલ-હકના સમયમાં તેમના પિતાને ફાંસી આપી દેવાઈ અને તેમની રાજકીય સફર સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ.

જીવન પરિચય

બેનઝિર ભુટ્ટોનો જન્મ 21 જૂન 1953 માં થયો હતો. તેમનું 27 ડિસેમ્બર 2007 ના રોજ રાવલપિંડીમાં અવસાન થયું. તે પાકિસ્તાનના 12 માં (1988) અને 16 માં (1993) વડાપ્રધાન હતાં. રાવલપિંડીમાં રાજકીય રેલી બાદ આત્મઘાતી હુમલો અને ફાયરિંગમાં તેમનું અવસાન થયું હતું. તે પૂર્વની પુત્રી તરીકે જાણીતા હતા. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની પ્રતિનિધિ અને મુસ્લિમ ધર્મની શિયા શાખાના અનુયાયી હતા. તેનો જન્મ પાકિસ્તાનના શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સિંધ પ્રાંતના પાકિસ્તાની ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને મૂળ ઈરાન અને કુર્દિશની પાકિસ્તાની બેગમ નુસરત ભુટ્ટોની પ્રથમ સંતાન હતી. તેમણે 18 ડિસેમ્બર 1987 ના રોજ આસિફ અલી ઝરદારી સાથે લગ્ન કર્યા હતા. બેનઝિર ભુટ્ટોને ત્રણ બાળકો છે. પ્રથમ પુત્ર બિલાવલ અને બે પુત્રી બખ્તાવર અને આસિફા.

 

શિક્ષા અને દીક્ષા

બનઝિરનું પ્રાથમિક શિક્ષણ કરાચીની લેડી જેનિંગ્સ નર્સરી સ્કૂલ અને કોન્વેન્ટ જીજસ અને મેરીમાં થયું હતું. 15 વર્ષની ઉંમરે, તેમણે કરાચી ગ્રામર સ્કૂલમાંથી ‘ઓ’ સ્તરની પરીક્ષા પાસ કરી. 16 વર્ષની ઉંમરે, તે અમેરિકા ગઈ, જ્યાં તેણે 1969 થી 1973 દરમ્યાન રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની પરીક્ષા પાસ કરી. બાદમાં તેણે ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આંતરાષ્ટ્રીય કાયદા, ફિલસૂફી અને રાજકારણનો પણ અભ્યાસ કર્યો. ઓક્સફર્ડમાં અભ્યાસ કરતી વખતે ઓક્સફર્ડ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયેલી તે પ્રથમ એશિયન મહિલા હતી.

બે વખત બન્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી

1988 માં બેનઝિરે ભારે મતોથી ચૂંટણી જીતી અને પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. બે વર્ષ પછી 1990માં, તેમની સરકારને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાને બરતરફ કરી દીધી. 1993માં ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી અને ભુટ્ટો ફરીથી વિજયી બની. 1996માં ભ્રષ્ટાચારના આરોપસર તેમને ફરી વખત સત્તામાંથી બરતરફ કરવામાં આવ્યા. બેનઝિર જ્યારે પ્રથમ વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે તેમની લોકપ્રિયતાની ટોચ પર હતી.

વૈશ્વિક સ્તરે તેમની પ્રસિદ્ધિ સર્વપ્રમુખ મહિલા નેતા તરીકેની હતી. પરંતુ, જ્યારે તેને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યાં સુધીમાં તેની છબી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. પાકિસ્તાનના મોટા ભાગના લોકોએ તેમને ભ્રષ્ટાચાર અને ગેરવર્તનના પ્રતીક તરીકે જોયા. ઘણા વિશ્લેષકોના જણાવ્યા મુજબ, બેનઝિરના પતન માટે તેમના પતિ આસિફ ઝરદારી જવાબદાર રહ્યા છે, જેમણે ભ્રષ્ટાચારના આરોપોમાં જેલની સજા પણ ભોગવવી પડી હતી. ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ 1999માં બેનઝિરે પાકિસ્તાન છોડી દીધું હતું અને યુએઈના દુબઇ શહેરમાં રહેવા ગયા. ત્યારબાદ તે 18 ઓક્ટોબર 2007 ના રોજ પાકિસ્તાન પરત આવ્યા હતા.

કરાચીમાં એ જ દિવસે એક રેલી દરમ્યાન તેમના પર બે આત્મઘાતી હુમલાઓ થયા હતા જેમાં લગભગ 140 લોકો માર્યા ગયા હતા, પરંતુ બેનઝિર બચી ગયા હતા. તેના થોડા દિવસો પછી, 27 ડિસેમ્બર 2007 ના રોજ ચૂંટણી રેલી પછી તેની હત્યા કરવામાં આવી. તેમના અવસાનથી પાકિસ્તાનમાં લોકશાહીની પુન: સ્થાપના પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઈ ગયો.

હત્યાનું કોકડું આજે પણ અકબંધ

જે રીતે બેનઝિરની હત્યા કરવામાં આવી હતી, તે જ રીતે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ એક સભા દરમ્યાન હત્યા કરવામાં આવી હતી. અહીં હત્યા કરવાની રીત થોડી જુદી હતી, પરંતુ આ બંને નેતાઓ લોકોની વચ્ચે ગયા ત્યારે જ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતાં. રાજીવ ગાંધીને તો આત્મઘાતી બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા, જ્યારે બેનઝિર ભુટ્ટોની હત્યા કોણે કરી હતી તે હજી પણ રહસ્ય છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે બોમ્બ વિસ્ફોટમાં તેમનું મોત થયું છે.

પાછળથી પાકિસ્તાન સરકારનું નિવેદન આવ્યું કે બેનઝિરની હત્યા કોઈ બંદૂકધારી દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાની સરકારના નિવેદનો અનુસાર, વિસ્ફોટથી બચવા માટે સનરૂફ (કારની ખુલ્લી શકે તેવી છત) સાથે  ઝડપથી ટકરાવાને કારણે તેમનું મોત થયું. આ મામલે તેમની પાર્ટીના સમર્થકોએ સરકારનો સખત વિરોધ કર્યો તેમનું કહેવું હતું કે, બેનઝિરની હત્યા શરૅપ્નલ (ફાટવાથી ઊડતી કરચો) લાગવાથી થઈ હતી. આ હત્યાની જવાબદારી અલ કાયદાના મુસ્તફા અબુ અલ યાઝિદે લીધી છે.

એ સમયે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની સરકારે આ હત્યા માટે પાકિસ્તાની તાલિબાનના વડા બૈતુલ્લાહ મહસુદને જવાબદાર ઠેરવ્યા, જોકે તાલિબાનોએ આ વાતનો ઇનકાર કર્યો હતો. બૈતુલ્લાહ 2009 માં એક અમેરિકન ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. બેનઝિર ભુટ્ટો પાકિસ્તાનમાં ઉગ્રવાદના સ્પષ્ટ વિરુદ્ધમાં હતી, ભુટ્ટોને તાલિબાન, અલ કાયદા અને સ્થાનિક જેહાદીઓ તરફથી ધમકીઓ મળતી હતી.

જોકે, એ સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પર પણ આરોપ લાગ્યા હતા કે તે બેનઝિરની હત્યા કરાવવા માગતા હતા. 2013માં પાકિસ્તાનની એક અદાલતમાં તેમની વિરુદ્ધ હત્યા સાથે જોડાયેલા આરોપ સાબિત થયા પણ 2016માં મુશર્રફ પાકિસ્ત છોડી ભાગી ગયા. ભુટ્ટોના મોત પછી પાકિસ્તનમાં પીપલ્સ પાર્ટીની સરકાર બની. બેનઝિરના પતિ આસિફ અલી ઝરદારી દેશના રાષ્ટ્રપતિ બન્યા. તે બેનઝિરના હત્યારાઓને શોધવામાં નિષ્ફળ રહ્યા એ સમયે શંકાનો સોઈ તેમના તરફ પણ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]