UNનું સમર્થન કરતાં PM ચાર્લ્સ મિશેલનું રાજીનામું: આ હતું કારણ…

બ્રસેલ્સ- બેલ્જિયમના વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. શરણાર્થીઓ પર સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સમજૂતીનું સમર્થન કર્યા બાદ ગઠબંધનની સૌથી મોટી પાર્ટીએ ચાર્લ્સ મિશેલની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો. બાદમાં ચાર્લ્સ મિશેલની સરકાર પર દબાણ વધ્યું હતું.

મિશેલે બેલ્જિયમના સાંસદોને જણાવ્યું હતું કે, તેમણે પોતાના રાજીનામાંની રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. સાંસદો માગણી કરી રહ્યાં હતાં કે મિશેલની સરકાર વિશ્વાસ મતનો સામનો કરે, પરંતુ તેઓ અત્યાર સુધી આનો ઈન્કાર કરતા રહ્યાં હતાં. નેશનાલિસ્ટ પાર્ટીએ શરણાર્થીઓના મુદ્દા પર મિશેલને ટેકો આપવાનો ઈન્કાર કર્યો હતો.

મિશેલે કહ્યુ હતું કે, સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સમજૂતી પર અમલ કરવામાં આવે. મિશેલના પગલા બાદ બેલ્જિયમને તાત્કાલિક ચૂંટણી માટે તૈયાર કરવાનું હશે. લઘુમતીની સરકારની પાસે સંસદમાં પુરતું સમર્થન નથી. માટે સમય પહેલા ચૂંટણી થવી જરૂરી છે. જો કે આના પહેલા તેમણે સંસદમાં વચગાળાની ચૂંટણીઓ કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

મિશેલે કહ્યું હતું કે જો સમયથી પહેલા ચૂંટણી કરાવવામાં આવશે, તો 2019માં પણ અસ્થિરતાનો તબક્કો યથાવત રહેશે. બેલ્જિયમમાં આગામી મે માસમાં ચૂંટણી યોજાવાની છે. મિશેલ સંસદમાં પોતાના પ્રધાનો અને સાંસદોને બ્રિફકેસ દર્શાવતા બહાર નીકળી ગયા હતાં. એક ન્યૂઝ વેબસાઈટે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે બેલ્જિયમના કિંગ ફિલિપ રાજકીય પાર્ટીઓ વચ્ચે સમજૂતી કરાવવા માટે કહેણ મોકલે તેવી શક્યતા છે.