રોહિંગ્યા મામલે મ્યાંમાર-બાંગ્લાદેશ વચ્ચે સમજૂતી, 2 વર્ષમાં સ્વદેશ પરત ફરશે

ઢાકા- બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે હાલમાં જ એક સમજૂતી કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યાંમારમાંથી વિસ્થાપિત થયેલા રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાંમાર સ્વદેશ પરત બોલાવવા તૈયાર થઈ ગયું છે. આ પ્રક્રિયા આગામી બે વર્ષમાં પુરી કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, રોહિંગ્યા સામે મ્યાંમારની સેનાએ સૈન્ય કાર્યવાહી કર્યા બાદ હજારો રોહિંગ્યાઓએ શરણાર્થી તરીકે બાંગ્લાદેશમાં આશ્રય લીધો હતો. જેને પરત મ્યાંમાર મોકલવા બાંગ્લાદેશે બે વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે. જોકે બાંગ્લાદેશ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, રોહિંગ્યાઓને પરત મોકલવાની કામગીરી ક્યારથી શરુ કરવામાં આવશે. પરંતુ એ વાત પર સમજૂતી કરવામાં આવી છે કે, હાલમાં જે પરિવાર પાસે ઘર નથી તેમને અસ્થાયી ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બાંગ્લાદેશ તરફથી જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ 5 ટ્રાંઝિટ કેમ્પ લગાવશે. જ્યાંથી રોહિંગ્યાઓને મ્યાંમાર સ્થિત બે રિસેપ્શન સેન્ટરો પર મોકલવામાં આવશે. મ્યાંમારની રાજધાનીમાં યોજાયેલી સંયુક્ત બેઠક બાદ બાંગ્લાદેશ સરકાર તરફથી ઉપરોક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જોકે હજી સુધી મ્યાંમાર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

મ્યાંમાર સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પરત ફરનારા રોહિંગ્યાઓએ વેરિફિકેશન પ્રક્રિયામાંથી પાસ થવું પડશે તો જ તેમને નાગરિકતા આપવામાં આવશે. મ્યાંમારના મિનિસ્ટ્રી ઓફ લેબર, ઈમિગ્રેશન અને પોપ્યુલેશનની સ્થાયી સચિવે એક મુલાકાતમાં જણાવ્યું કે, મ્યાંમાર એક દિવસમાં 150 લોકોનું વેરિફિકેશન કરશે. જેના માટે આગામી 23 જાન્યુઆરીથી બે કેમ્પ લગાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]