પાકિસ્તાનમાં રાધેકૃષ્ણ મંદિરમાં તોડફોડ, ધાર્મિક પુસ્તકો સળગાવાયાં

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા રાધાકૃષ્ણના મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાના કુમ્બ ગામમાં આવેલા શ્યામસુંદર સેવામંડળી સંચાલિત મંદિરમાં તોડફોડ મચાવી અને ધાર્મિક પુસ્તકો સળગાવાયાં હતાં.

આ ઘટનાની ગંભીર નોંધ લેતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં હતા. ઇમરાન ખાને સિંધ ગવર્નમેન્ટને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને દોષિતોને ઝડપી લેવા આદેશ આપ્યો હતો. સાંજે છ વાગ્યે કેટલાંક અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશ્યાં હતાં. તેમણે મંદિરમાં તોડફોડ કરી અને રાધાકૃષ્ણની મૂર્તિ પાસે રહેલા ધાર્મિક પુસ્તકો ભગવત ગીતા, ગુરૂ ગ્રંથ સાહિબને આગ ચાંપી હતી.

સ્થાનિક હિંદુસમાજના લોકોએ આ ઘટનાના પગલે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિકોના મતે મંદિર સુરક્ષિત સ્થળે હોવાથી તેમાં ચોવીસ કલાક મંદિરની ચોકી કરવા કોઈ વ્યક્તિ રાખેલી નહોતી. સ્થાનિકોએ આ ઘટના બાદ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં.આ ઘટના બાદ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દ્વારા હિંદુ મંદિરોની સુરક્ષા માટે વિશેષ ટાસ્ક ફોર્સની માગ કરી છે. તેમમે કહ્યું, “આ પ્રકારની ઘટનાઓ ધાર્મિક અશાંતિ સ્થાપવા માટે કરવામાં આવી છે. ઘટનાના પગલે હિંદુસમાજ આઘાતમાં છે. ”પાકિસ્તાનની કુલ વસ્તીમાં બે ટકા હિંદુઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિંદુઓ સિંધ પ્રાંતમાં જ વસે છે અને સ્થાનિક રાજકારણમાં પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]