વર્ષ 2017માં સાત હજાર ભારતીયોએ અમેરિકામાં આશ્રય માગ્યો: UN એજન્સી

0
890

વોશિંગ્ટન- ભારતના સાત હજારથી વધુ લોકોએ ગત વર્ષ અમેરિકામાં આશ્રય માટે અરજી કરી હતી. યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના એક અહેવાલ મુજબ વર્ષ 2017માં આશ્રય મેળવવા માટેની નવી અરજી મુજબ સૌથી વધારે અરજીઓ અમેરિકામાં આવી છે. એજન્સીએ તેના વાર્ષિક ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ 2017ના અંત સુધીમાં દુનિયાભરમાં લગભગ 6.85 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા.ઉલ્લેખનીય છે કે, યુદ્ધ, હિંસા અને ઉત્પીડન સહિતના અન્ય કારણોસર વિશ્વભરમાં વિસ્થાપિતોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. સતત પાંચમાં વર્ષે 2017માં આ આંકડો વિક્રમજનક નોંધાયો હતો. જેમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોનું સંકટ, દક્ષિણ સુદાનની લડાઈ અને મ્યાનમારથી હજારો રોહિંગ્યા શરણાર્થીઓનું બાંગ્લાદેશથી આગમન પણ મુખ્ય કારણ છે.

અહેવાલ અનુસાર વિસ્થાપનને કારણે સૌથી વધુ પ્રભાવિત વિકસિત દેશો થયા છે. અહેવાલ મુજબ વર્ષ 2017ના અંત ભાગમાં ભારતમાં 1 લાખ 97 હજાર 146 શરણાર્થી હતા અને 10 હજાર 519 લોકો આશ્રય મેળવવા રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આશ્રય માગનારાઓની સૌથી વધુ સંખ્યા અફઘાનિસ્તાનના નાગરિકોની હતી. જેમણે 80 વિવિધ દેશોમાં આશ્રય માટે 1 લાખ 24 હજાર 900 આવેદન કર્યા હતા.