ટ્રમ્પે કહ્યું એ કરી બતાવ્યું, પાક.ની 255 મિલિયન ડોલરની સૈન્ય સહાય અટકાવી

વોશિંગ્ટન- આતંકવાદ માટે ‘સેફ હેવન’ ગણાતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે. હવે તો તેના સૌથી મોટા મદદગાર અને વિશ્વનો તાકતવર દેશ અમેરિકાએ પણ કહ્યું છે કે, તેની સહનશક્તિની હદ આવી ગઈ છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાન્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને કોઈ આર્થિક સહાય આપવામાં નહીં આવે. કારણકે પાકિસ્તાને હજી સુધી આતંકવાદ સામે કોઈ જ નક્કર પગલાં નથી લીધાં. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું તે કરી પણ બતાવ્યું અને પાકિસ્તાનને આપવામાં આવતી 255 મિલિયન ડોલરની સૈન્ય સહાય પર હાલ પુરતી રોક લગાવી દીધી છે.

ભારત વિભાજન બાદથી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનને તેના નિર્માણ સમયથી જ અમેરિકા આર્થિક સહાય કરતું આવ્યું છે. પરંતુ વર્ષ 2001માં અમેરિકા પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાન સામે મદદનો ભંડાર ખોલી નાખ્યો. અમેરિકાના એક રિસર્ચ થિંક ટેન્ક સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 1951થી 2011 સુધીમાં અમેરિકાએ પાકિસ્તાનને સમયાંતરે 67 બિલિયન યુએસ ડોલરની સહાય કરી છે.

ઉલ્લેખનીય છે કે, બરાક ઓબામાના શાશનકાળ દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાનની મદદ માટે કૈરી લુગર વિધેયક પાસ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી પાંચ વર્ષ (2010-14) માટે સાડા સાત અબજ અમેરિકન ડોલરની આર્થિક સહાયની તરફેણ કરતાં કૈરી લુગર વિધેયકને વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાન માટે સમર્થન કરનારું ગણાવાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]