પાક. સેના પ્રમુખને USની સલાહ, ભેદભાવ વગર આતંકવાદ પર કાર્યવાહી કરો

વોશિંગ્ટન- પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા અને અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પીયોએ દ્વિપક્ષીય સંબંધો અને અફઘાનિસ્તાનમાં રાજકીય સમાધાન અંગે ફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન માઈક પોમ્પીયોએ પાકિસ્તાનને આતંકવાદ સામે પગલાં લેવા માટે શિખામણ પણ આપી હતી.અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હિથર નોર્ટે જણાવ્યું કે, માઈક પોમ્પીયો દ્વારા કરવામાં આવેલા ફોન કોલ્સમાં જે વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમાં દક્ષિણ એશિયામાં રણનીતિ અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવા અંગેના વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મે મહિનામાં બન્ને દેશોએ સંબંધિત દૂતાવાસમાં કામ કરી રહેલા એકબીજાના રાજદ્વારીઓ પર પ્રવાસ પ્રતિબંધ લાગુ કર્યો હતો, ત્યારપછી આ પ્રથમ ઘટના છે જ્યારે અમેરિકા અને પાકિસ્તાનના સત્તાધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરની વાટાઘાટ યોજવામાં આવી હોય.

મહત્વનું છે કે, ગત કેટલાક સમયથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આરોપ લગાવાયા બાદ કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સલામત આશ્રય પુરો પાડે છે, ટ્રમ્પ વહીવટી તંત્રએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર રોક લગાવી દીધી હતી.

અમેરિકાએ પાકિસ્તાન સમક્ષ આતંકી સંગઠન હક્કાની નેટવર્ક અને તાલિબાન સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. જોકે આતંકવાદને આશ્રય આપવાના ટ્રમ્પ વહીવટી તંત્રના તમામ આરોપોને પાકિસ્તાને નકાર્યા છે અને જણાવ્યું છે કે, આતંકવાદ સામે પાકિસ્તાન લડાઈ ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હંમેશાં આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો વાયદો કરતું રહ્યું છે અને દુનિયાને એવું જણાવે છે કે, ખુદ પાકિસ્તાન પણ આતંકવાદથી પીડાય છે. પરંતુ સત્ય સૌ જાણે છે કે, પાકિસ્તાન પોતે જ પોતાની જમીન પર આતંકવાદીઓને સહકાર આપે છે.