ટ્રમ્પને કિમ જોંગ પર નથી વિશ્વાસ, નોર્થ કોરિયા પર હજી એક વર્ષ રહેશે પ્રતિબંધ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હોવા છતાં બન્ને દેશો વચ્ચે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી જણાઈ રહી. ડોનાલ્ડ ટ્રમ્પને હજી પણ કિમ જોંગ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. અને કદાચ આ જ કારણ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયા હજી પણ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થા માટે ‘અસામાન્ય અને અસાધારણ’ ખતરો બની શકે છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક પખવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં તેમણે સિંગાપોરમાં નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ સાથે ઐતિહાસિક શિખર બેઠક કરી હતી. જેમાં નોર્થ કોરિયાના નેતા પરમાણુ નિશસ્ત્રીરણ માટે તૈયાર થયા હતા.

ટ્રમ્પે જણાવ્યું છે કે, જ્યાં સુધી પરમાણુ નિશસ્ત્રીકરણ પુરુ નહીં થાય ત્યાં સુધી અમેરિકા દબાવ બનાવાવનું શરુ રાખશે અને નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો દુર કરવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, શિખર બેઠકથી પરત આવીને ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક સફળ રહી હોવાનો દાવો કરતાં ટ્વીટ કર્યું હતું કે, ‘ઉત્તર કોરિયા તરફથી પરમાણુ સંબંધી હવે કોઈ ખતરો નથી. ત્યારબાદ હવે ટ્રમ્પે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, અમેરિકન પ્રશાસન નોર્થ કોરિયા પર કડક આર્થિક પ્રતિબંધો ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, આ પ્રતિબંધ સૌથી પહેલાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યૂ બુશે લાગૂ કર્યા હતા.