PAKના બેવડા વલણથી US નારાજ, હાફિઝની પાર્ટીને ગણાવ્યું આતંકી સંગઠન

વોશિંગ્ટન- અમેરિકાએ વધુ એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. પાકિસ્તાનમાં આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તે પહેલા આતંકી હાફિઝ સઈદની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને (MML) અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, MML હાફિઝ સઈના નેતૃત્વવાળા આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો રાજકીય મોરચો છે.અમેરિકાએ મિલ્લી મુસ્લિમ લીગ સહિત તેના સાત સદસ્યોને પણ વિદેશી આતંકી જાહેર કર્યા છે. ઉપરાંત અમેરિકાએ તહરીક-એ-આઝાદી-એ-કશ્મીર (TAK) સંગઠનનો પણ આતંકવાદી સમુહની યાદીમાં સમાવેશ કર્યો છે. TAKને પણ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જ એક ભાગ ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાશનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો કોઈ પણ પ્રકારની રોકટોક વગર ખુલ્લેઆમ પોતાની કાર્યવાહી કરે છે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ પાકિસ્તાન ચૂંટણી પંચે મિલ્લી મુસ્લિમ લીગને રાજકીય પાર્ટી તરીકે માન્યતા મેળવવા ગૃહ મંત્રાલયમાંથી પ્રમાણપત્ર લાવવા જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ અમેરિકા દ્વારા ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, જમાત-ઉદ-દાવાનું સંગઠન લશ્કર-એ-તૈયબા દુનિયાભરમાં તેની આતંકી પ્રવૃત્તિને લઈને કુખ્યાત છે. અમેરિકા પણ અનેકવાર આ સંગઠન અને તેના મુખિયા હાફિઝ સઈને આતંકનો આકા ગણાવી ચુક્યું છે. એટલું જ નહીં તેના સ્વતંત્ર ફરવા પર અમેરિકા પાકિસ્તાન સામે પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી ચુક્યું છે.