જેફ બેજોસે બનાવ્યું અંતરિક્ષયાન, ચંદ્ર સુધી રસ્તો બનાવીને ત્યાં જવાની તૈયારી

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને એમેઝોનના સીઈઓ જૈફ બેજોસે પોતાના પ્રથમ મૂન મિશનનું અનાવરણ કર્યું છે. બેજોસે કંપનીના બ્લૂ ઓરિજિન સ્પેસ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરેલા નવા રોકેટ એન્જિન અને અંતરિક્ષયાનને રજૂ કર્યું છે. બેજોસે કહ્યું કે આ ચંદ્ર પર પરત જવાનો સમય છે અને અમે હવે ચંદ્ર સુધીનો રસ્તો બનાવીશું.

હાલ જે મૂન લેન્ડરને બેજોસે રજૂ કર્યું, તેનાથી માત્ર વૈજ્ઞાનિક ઉપકરણ, સેટેલાઇટ અને રોવર જ ચંદ્ર પર મોકલી શકાશે. વોશિંગ્ટનમાં નાસા અને અન્ય કંપનીઓના માલિકોની હાજરીમાં બેજોસે કહ્યું કે, હજુ અંતરિક્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાના કારણે અહીં કંઇ પણ મજેદાર કરવું ઘણું મોંઘુ છે. તેથી મારી પેઢીનું કામ અંતરિક્ષમાં આધારભૂત ઢાંચો ઉભો કરવાનું છે, જેથી ચંદ્ર પર જવાની સુવિધા તૈયાર કરી શકાય.

પ્રાપ્ત વિગતો અનુસાર બેજોસ આવનારા સમયમાં અંતરિક્ષ અને ચંદ્રને લોકોને રહેવા માટે તૈયાર કરવા ઇચ્છે છે. પોતાના કાર્યક્રમની મદદથી તેઓ અંતરિક્ષ યાત્રાને સસ્તી કરવા ઇચ્છે છે. તેઓને જણાવવા માટે બેજોસે કાર્યક્રમમાં આવી સ્પેસ કોલોનીની તસવીરો પણ દર્શાવી, જ્યાં માણસોની સાથે જાનવર અને ગ્રીનરી પણ મોજૂદ હશે.

ટ્રમ્પે હાલમાં જ 2014 સુધી ચંદ્ર પર ફરીથી માણસ મોકલવાની જાહેરાત કરી હતી. નાસા આ માટે અનેક પ્રાઇવેટ કંપનીઓની સાથે કામ કરી રહી છે. બેજોસનું બ્લૂ ઓરિજિન પ્રોગ્રામ પણ નાસા સાથે જ છે. બેજોસે કહ્યું કે, તેઓનો કાર્યક્રમ ટ્રમ્પને આપેલી ડેડલાઇન સાથે જ પૂર્ણ થઇ જશે, કારણ કે એમેઝોને સ્પેસક્રાફ્ટ પર 2016થી જ કામ શરૂ કરી દીધું હતું. નાસા સ્પેસ એક્ટ એગ્રીમેન્ટ હેઠળ સ્પેસ પ્રોગ્રામ માટે બેજોસને અંદાજિત 91 કરોડ રૂપિયાનું ફંડ આપી ચૂક્યું છે.