પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થાને એડીબીની લાઇફલાઇન મળી

મનીલાઃ કંગાળ સ્થિતિમાં ઝઝૂમી રહેલા પાકિસ્તાનને હવે એશિયાઈ ડેવલપમેન્ટ બેંક(એડીબી)ની મદદ મળી છે. એડીબીએ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે એક અબજ ડૉલર એટલે કે 7100 કરોડની ઈમરજન્સી લોન આપવાની મંજૂરી આપી છે.પાકિસ્તાન આ પહેલા ચીન, સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત જેવા પોતાના મિત્ર દેશોની સાથે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઈએમએફ) પાસેથી લોન લઈ ચૂક્યું છે. એડીબીના કહેવા અનુસાર આ લોન પાકિસ્તાનના અર્થતંત્રને સ્થિર કરવા માટે આઈએમએફના આર્થિક સુધારાના કાર્યક્રમનો હિસ્સો છે.

પાકિસ્તાન સરકાર દ્વારા આઈએમએફ દ્વારા સૂચવાયેલા સુધારાને લાગુ કર્યા પછી લોન મંજૂર કરી છે. પાકિસ્તાન નબળા વિકાસ દરની સાથે ચૂકવણીમાં ભારે અંતર અને ખૂબ જ નીચા વિદેશી અનામત ભંડારને કારણે ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. એડીબીમાં મધ્ય અને પશ્મિમ એશિયાઈ મામલામાં ડીરેક્ટર જનરલ વાર્નર લીપેચે કહ્યું છે કે આ ધનરાશિથી પાકિસ્તાનની સરકારને પ્રતિકુળ સામાજિક અને આર્થિક પ્રભાવોને રોકવા માટે જરૂરી ઈમરજન્સી મૂડી ઉભી કરવામાં મદદ મળશે.

પાકિસ્તાનને આઈએમએફે આ વર્ષે જુલાઈમાં છ અબજ ડૉલર(અંદાજે રૂપિયા 42 હજાર કરોડ)ની લોન મંજૂર કરી હતી. તે ઉપરાંત પાકિસ્તાનને ચીન, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતમાંથી આર્થિક પેકેજ મળ્યા છે.

બીજી તરફ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારને મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આર્થિક મદદ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાન એશિયામાં સૌથી વધુ ગરીબ દેશમાંનો એક છે. પાકિસાતન સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંકમાં 178 દેશોની યાદીમાં 150માં સ્થાન પર છે. આ સૂચકાંક સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવકના આધાર પર નક્કી થાય છે. ઓસ્ટ્રેલિયાની આ જાહેરાતથી પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે પાકિસ્તાન સામે એક જ સવાલ છે કે તે આર્થિક તંગીમાંથી કેવી રીતે બહાર નીકળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]