બોરીસ જોન્સને મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

લંડનઃ આવતા વર્ષની 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનાર ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને સ્વીકાર કર્યો છે. આ આમંત્રણ તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. એક નિવેદનમાં જોન્સને કહ્યું છે કે ગ્લોબલ બ્રિટન માટે આવતું વર્ષ રોમાંચક બની રહેવાનું છે અને તેના આરંભે ભારતની મુલાકાત લેવા મળશે એનો મને ખૂબ જ આનંદ છે. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો મેં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે અને એ દિશામાં મોટું ડગલું ભરવા હું આતુર છું.

બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રોબ આજે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળ્યા હતા અને કહ્યું હતું કે અમારા વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતના પ્રજાસત્તાક દિવસ ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જયશંકરે બાદમાં કહ્યું કે જોન્સનની ભારત મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવા યુગના આરંભનું પ્રતીક બનશે.